આ વખતે ભલે ભાવનગર જિલ્લામાં કુલ 7 બેઠક પૈકી ભાજપને 6 બેઠક મળતા ગત 2017ની ચૂંટણીનું પુનરાવર્તન જ લાગે પણ ખરેખર ભાજપને મળેલા મતોની સંખ્યામાં આ વખતે ધરખમ વધારો થયો હતો જેથી ભાવનગરની જનતાની મંત્રીમંડળમાં ભાવનગરના પ્રતિનિધિત્વની આશા પણ વધી ગઇ હતી કારણ કે ભાવનગર જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપના 7 ઉમેદવારોને કુલ મત 4,90,186 મળ્યા હતા જ્યારે આ વખતે ભાજપના 7 ઉમેદવારોને કુલ મત 6,14,340 મળ્યા છે અને તે પણ ત્યારે કે જ્યારે મતદાન ઘટ્યુ઼ છે. આ વખતે ભાજપના ફાળે ગત વિધાનસભાની તુલનામાં 1,24,157 મત વધ્યા છે.
એટલે કે કમળે કમાલ કરી ત્યારે ભાવનગરના માત્ર એક પરશોત્તમભાઇ સોલંકીને મંત્રીમંડળમાં સ્થાન મળતા ભાવનગરનું કદ 2017માં હતુ તેનાથી 50 ટકા ઘટી ગયું છે કારણ કે 2017માં મંત્રમંળ રચાયું ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખપદે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી હતા, શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેને તેમજ પરશોત્તમભાઇ સોલંકીને પણ પ્રધાનમંડળમાં લેવાયા હતા.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રમંડળમાં ભાવનગરના ડો.મનસુખભાઇ માંડવીયાને પ્રતિનિધિત્વ હતુ. આમ, ચાર મહાનુભાવો ચાવીરૂપ હોદ્દા પર ત્યારે હતા જ્યારે ગઇ કાલે નવું મંત્રીમંડળ રચાયું ત્યારે માત્ર પરશોત્તમભાઇ સોલંકીને રાજ્ય કક્ષાનું મંત્રીપદ અપાયું છે. બાકી કેન્દ્રમાં મનસુખભાઇ છે. આમ, ભાવનગરનું કદ રાજ્ય કક્ષાએ ઘટ્યું છે.
ભાવનગરની પ્રજાએ આ વખતે ખોબલે ખોબલે મત આપ્યા એટલે આ વિસ્તારના અણઉકેલ પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીમંડળમાં ભાવનગરને પર્યાપ્ત પ્રતિનિધિત્વ મળશે તેવી આશા પ્રજામાં હતી પણ તે ફળીભૂત થઇ નથી. વિધાનસભાની ચૂંટણીમાં શહેરીજનોમાં વિવિધ સમસ્યાઓને લઇને નારાજગી હતી.
છતાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ભાજપને ખોબે ખોબા વોટ આપ્યા છે. શહેરમાં વોટ શેર 70 ટકા અને જિલ્લામાં 60 ટકા રહ્યો છે. જોકે મંત્રીમંડળમાં ભાવનગર શહેર જિલ્લાના માત્ર એક ધારાસભ્યને પ્રતિનિધિત્વ મળ્યું છે. જાણે ભાવનગરની અવગણના થઇ હોય ભાવનગર ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો તો પ્રજામાં નિરાશા ફેલાઇ છે.
ભાજપને બેઠક દીઠ મતમાં 17,737નો વધારો નજરે ન લેવાયો
ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા મતક્ષેત્ર છે તેમાં આ વખતે કુલ મત 614340 મળ્યા તેમાં એક બેઠકની એવરેજ ગણીયે તો એક બેઠક દીઠ 87,763 મત મળ્યા છે જ્યારે 2017ની ચૂંટણીમાં ભાજપને કુલ 4,90,186 મત મળેલા એટલે કે ત્યારે એક બેઠક દીઠ ભાજપને કુલ એવરેજ મત 70,026 મળ્યા હતા. આ વખતે ભાવનગર જિલ્લામાં એક બેઠક દીઠ ભાજપના મતોમાં 17,737નો નોંધપાત્ર વધારો થયો છે. પણ આ વધારો જાણે નજરે ન લેવાયો હોય તેવી ચર્ચા સાથે લોકોમાં નિરાશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.