ભાસ્કર એક્સક્લૂઝિવ:જર્જરિત આંગણવાડીઓ, રિપેરીંગ પ્રત્યે સેવાતી સતત દુર્લક્ષતા ભુલકાઓ પર મંડરાઈ રહેલું મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જર્જરિત આંગણવાડી - Divya Bhaskar
જર્જરિત આંગણવાડી
  • શહેરમાં એકાદ મોડેલ આંગણવાડી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં છતમાંથી પડતા ગાબડા, ગંદકીના ગંજ
  • અવાવરૂ જગ્યા અને બિસ્માર ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ

શહેરમાં મોડેલ આંગણવાડીનું લોકાર્પણ થઈ છે પરંતુ જિલ્લામાં જર્જરિત આંગણવાડીના બાંધકામોને કારણે નાના ભૂલકાઓ પર મોત મંડરાતું હોય છે. જે ખરેખર અતિગંભિર બાબત છે. પરંતુ શાસકો અને તંત્રને તે સુજતુ નથી.

ભાવનગરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મોડેલ આંગણવાડીનું બાંધકામ આવકારદાયક છે પરંતુ એકાદ મોડેલ આંગણવાડીને કારણે અનેક આંગણવાડીઓની જર્જરિતતાની બેદરકારી ઢંકાઈ નહી જાય. ભાવનગર કોર્પોરેશન અને જિલ્લા પંચાયત દ્વારા જર્જરિત આંગણવાડીઓ બાબતે કોઈ દરકાર લેવામાં આવતી નથી. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખંડેર થઈ ગયેલા આંગણવાડીના બિલ્ડીંગો હેઠળ ગમ્મત સાથે જ્ઞાન મેળવતા નાના ભૂલકાઓની હાલત દયનીય છે. મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ બહાર પડ્યા દેખાયેલા છે.

આંગણવાડી આસપાસ ગંદકીના થર, બાળકો માટે ટોયલેટ કે શૌચાલયો પણ પણ હોતા નથી. દીવાલોમાં મોટી મોટી તિરાડો, ઉધઈ ખાઈ ગયેલા બારી-બારણા અને ભંડકિયા જેવા એકાદ ઓરડામાં ચાલતી આંગણવાડીઓ ખરેખર દેશના ભાવિના પાયા જ નબળા પાડી દે છે. લાંબા સમયથી જર્જરિત મકાનો અને ભાડેના મકાનમાં ચાલતી આંગણવાડીઓ છતાં સરકાર કે સ્થાનિક તંત્રને નવી આંગણવાડીઓ બનાવવામાં રસ નથી. ગ્રામ્ય કક્ષાની આંગણવાડીઓ જોતા કોઈ રાજકીય આગેવાન તો ઠીક કાર્યકરના સંતાનોને પણ આ આંગણવાડીમાં પ્રવેશ કરવા દે નહીં તેવી ખરાબ હાલત છે. અને બીજી તરફ માત્ર એકાદ આંગણવાડીને અધ્યતન બનાવી સરકારે મોટો મીર માર્યો હોય તેમ પ્રચાર પ્રસાર કરે છે.

સુરક્ષિત સ્થળે બાળકોને ખસેડવા જાણ
ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક આંગણવાડી કેન્દ્રોના બિલ્ડીંગો જર્જરિત હાલતમાં છે જેનો સર્વે અને રિપેરિંગ પણ કરાય છે. ગ્રામ્ય કક્ષાએ પણ જર્જરિત બિલ્ડિંગોમાંથી નવા કે ભાડાના બિલ્ડિંગોમાં બાળકોની સુરક્ષા માટે ખસેડવા સંબંધિત CDPOને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં આ માટે કાર્યવાહી શરૂ થશે. હાલમાં શહેર અને જિલ્લામાં નિયમિતપણે આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા છે. જેમાં સ્થાનિક મેનુ મુજબ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. - સાવિત્રી નાથજી, પ્રોજેક્ટ ઓફિસર ICDS

ફેક્ટ ફાઈલ
316 શહેર આંગણવાડી, 26444 શહેરના બાળકો, 1590 ગ્રામ્ય આંગણવાડી, 1,34,119 ગ્રામ્ય બાળકો

મંજુર આંગણવાડીના કામો ખોરંભે ચડ્યા
જે નવી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપેલ છે તે આંગણવાડીઓમાં બાંધકામમાં મજૂરીકામ નરેગા યોજના હેઠળ લેવાતા કુશળ કારીગરના દરો અને કડિયાની વાસ્તવિક દૈનિક મજૂરી વચ્ચે બહુ મોટો તફાવત હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં નવી આંગણવાડીઓના કામ મંજૂર થયા હોવા છતાં છેલ્લા છ મહિનાથી કોઈ પ્રગતિ નથી. સરપંચો દ્વારા DDO અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને આ બાબતનું ધ્યાન દોરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ટેન્ડરિંગ કરીને એક પાર્ટીને કોન્ટ્રાક્ટ આપી દીધેલ છે જે પાર્ટી પહોંચી શકતી નથી.

સરકારનો પરિપત્ર છે કે બાળકોને સુખડીને બદલે અન્ય પોષક આહાર આપવો.....છતાં આજે પાટીલની તુલા પછી બાળકોને અપાશે સુખડી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તારીખ 15 ને શુક્રવારના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરી કુપોષિત બાળકોને આપવાનું તેમજ મોડેલ આંગણવાડીનું લોકાર્પણ યોજાશે. પરંતુ સરકાર દ્વારા જ ફેબ્રુઆરીમાં આંગણવાડી કેન્દ્રો નિયમિત શરૂ કરી બાળકોને ઘરે ઘરે સુખડી આપતા તેને બદલે પૂરક પોષણ આહાર આપવાનો પરિપત્ર કરાયો છે. જેથી આ કાર્યક્રમ માત્ર રાજકીય જ બની રહેશે. કોવિડ સમયે માર્ચ 2020માં સરકારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યની આંગણવાડીઓ બંધ કરાવી બાળકોને પોષણ મળે તે માટે ઘરે ઘરે બાળક દીઠ એક અઠવાડીયું ચાલે તેટલી એક કિલો સુખડી આપવામાં આવતી હતી.

પરંતુ કોરોના હળવો પડતાં શાળાઓ પણ શરૂ કરતાં સાથોસાથ ફેબ્રુઆરી 2022 થી સરકાર દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રો નિયમિત કરી પુરક પોષણ આહાર એટલે કે આંગણવાડી કેન્દ્રોમાં જ બાળકોને ગરમ ગરમ સ્થાનિક મેનુ પ્રમાણે નો નાસ્તો આપવાનું શરૂ કર્યું છે. જેથી સુખડી બંધ કરાઈ છે. ત્યારે બીજી તરફ આંગણવાડીમાં સુખડી બંધ કરાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું સુખડી તુલા કરી તે સુખડી કુપોષિત બાળકોને અપાશે. જે વર્તમાન સ્થિતિમાં ગેરવ્યાજબી છે.

અન્ય સમાચારો પણ છે...