ભૂકંપ:ભાવનગરના ઉમરાળા અને પાલીતાણામાં ધરા ધ્રુજી, લોકો ઘર બહાર દોડી આવ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર તંત્ર દ્વારા કોઈ જ પૂષ્ટી ન કરાતાં આશ્ચર્ય

ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપનો તિવ્ર આંચકો લોકોએ અનુભવ્યો હતો. લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં. આ તિવ્ર ઝટકાની નોંધ ભાવનગર સ્થિત યંત્રમાં થવા પામી ન હતી, પરંતુ ગાંધીનગર સ્થિત કંટ્રોલરૂમમાં નોંધ થઈ હતી.

ભાવનગર જિલ્લામાં લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો એક આંચકો નોંધાતાં લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આમતો ભાવનગર અને ભૂકંપને ખૂબ જૂનો સંબંધ છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ભાવનગર શહેર કે જિલ્લામાં ધરા ધ્રુજી હોય એવી સત્તાવાર માહિતી નથી મળી, ત્યારે રવિવારે રાત્રે એક જ સમયે જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકામાં ભૂકંપનો તિવ્ર ઝટકો આવતા લોકો હાફળા-ફાફળા ઘર બહાર દોડી આવ્યા હતા અને અરસપરસ ચિંતા ભરી પુછપરછ શરૂ કરી હતી. આંચકો આવ્યાંના ગણતરીની મિનિટોમાં લોકોએ સરકારી કચેરીનાં ફોન રણકાવ્યા હતાં, પરંતુ ભાવનગર શહેર સ્થિત ભૂકંપ માપક યંત્રમાં આ આંચકા સંદર્ભે કોઈ જ નોંધ થવા પામી ન હતી.

એકાદ કલાક ના સમય બાદ ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરી ખાતે આ ભૂકંપની નોંધ થયાનું સત્તાવાર જાહેર થયું હતું. લાંબા સમય બાદ ભૂકંપની હાજરીએ લોકોને વિચારવા મજબૂર કર્યાં હતાં. ઉમરાળા તાલુકાના પરવાળા ગામે અને પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આ ભૂકંપની અનુભૂતિ વધુ થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ બંને ગામોમાં અભેરાઈ પર રહેલા વાસણો રણકવા સાથે નિચે પડ્યાં હતાં. તો બીજી તરફ પાલીતાણાના ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભૂકંપના આંચકા પૂર્વે ભૂગર્ભમાં તિવ્ર ગડગડાટ સાથે ધડાકો પણ સંભળાયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લાના પાલીતાણા તથા ઉમરાળા તાલુકા સિવાય અન્યત્ર કોઈ સ્થળે ભૂકંપના વાવડ ન હોવાનાં કારણે આ આંચકાને લઈને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ વિચાર મગ્ન બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...