સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં કોન્ટ્રાક્ટર દ્વારા પાડવામાં આવેલ હડતાલને લઈ ભાવનગરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી નવા રોડ માટેના એક પણ ટેન્ડર ભરાયા ન હોવાથી રોડનાં કામો અટવાયા છે. જિલ્લામાં 150 થી વધુ રોડના કામો પેન્ડિંગ છે સરકાર સાથે થયેલ પરામર્શ બાદ પણ કોન્ટ્રાક્ટર એસોસિએશન ની માંગ સંતોષવામાં ન આવતા આજરોજ કોન્ટ્રાક્ટર એસોસિએશન પત્રકાર પરિષદ યોજી હતી.
સમગ્ર રાજ્યમાં હાલ ગુજરાત કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા પડતર માગોનું નિરાકરણ નહીં આવતાં રાજ્યમાં અંદાજીત પાંચ હજાર કરોડના કામોના ટેન્ડર ભરાયેલા નથી, સાથે જ ભાવનગર જિલ્લામાં પણ 150 થી વધુ કામોમાં અસર પહોંચી છે. બે મહિનામાં એક પણ ટેન્ડર નવા ભરવામાં આવ્યા નથી, કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા છેલ્લા 57 દિવસથી પડતર માંગણીઓને લઈ સરકાર સાથે પરામર્શ કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવેલ ન હોવાથી રાજ્ય સહિત ભાવનગર જિલ્લાના વિકાસનાં કામો અટવાય ગયા છે. ભાવનગરના જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આર.એન.બી વિભાગ સહિતના રોડના કામો છે તે હાલ શરૂ થઈ શક્યા નથી જેની સીધી જ અસર આમ પ્રજા પર પડી રહી છે, સાથે જ જીએસટી મુજબના દરમાં વધારો થયો હોવાના કારણે રોડમાં વપરાતી દરેક મટીરીયલ પણ મોંઘા થયા છે.
ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા છેલ્લા બે મહિનાથી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે પરંતુ આજદિન સુધી તેનો નિવેડો આવ્યો નથી એસોસિએશન દ્વારા કરવામાં આવેલ માંગ મુજબ એસ.ઓ.આર દરો ની સૂચિ જે 2012-2013માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ત્યાર બાદ આજદિન સુધી નવી સૂચિ બહાર પાડવામાં આવી નથી. એટલે કે નવા ભાવ આપવામાં આવ્યા નથી, રાજ્યમાં અંદાજે 3500 જેટલા નવા ટેન્ડર બહાર પડ્યા છે પરંતુ એક પણ ટેન્ડર ભરવામાં આવ્યું નથી જેનું એક આંકલન મુજબ પાંચ હજાર કરોડ રૂપિયાના કામો ગુજરાત રાજ્યમાં કોન્ટ્રાક્ટર એસોસિએશન ની ચાલી રહેલ હડતાલના કારણે અટવાઈ ચૂક્યા છે.
આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી સાથે એસોસિએશન પ્રમુખની મીટીંગો પણ ચાલી હતી. પરંતુ કોઈપણ પ્રકારનુ નક્કર પરિણામ મળેલ નથી. જેના કારણે છેલ્લા 57 દિવસ થી કોન્ટ્રાક્ટર એસોસિએશનની લડત સરકાર સામે ચાલી રહી છે. છેલ્લા ચાર પાંચ વર્ષમાં લોખંડ, ડામર, લેબર સહિતના ચીજ વસ્તુઓમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે, સાથે જ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગ મૂકી છે કે SBD સેન્ટરની જે પોલિસી છે તે કોન્ટ્રાક્ટરોને મળે, સાથે 11 મહિનાની જે ટાઈમ લીમીટ છે તેમાં પણ સ્ટાર રેટ મળે તેવી માંગો સરકાર સમક્ષ મુકવામાં આવેલ હતી. પરંતુ લેખિતમાં બાંહેધરી ન આપતા કોન્ટ્રાક્ટરોની હડતાલ આજદિન સુધી ચાલુ રાખવામાં આવી છે જેના કારણે મહત્ત્વના જે ઉદ્યોગો કહી શકાય તેમાં માઠી અસર પડી છે હાલ વિકાસના કામો અટવાઇ જવાથી સરકાર નિરાકરણ લાવે તે જરૂરી છે.
આ અંગે ભાવનગર કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઓમ કન્ટ્રક્શનના રાજભા સરવૈયા, અશોક કન્ટ્રક્શનના અશોકભાઈ પટેલ, જતીનભાઈ પંડ્યા, પૃથ્વી કન્ટ્રક્શનના ગુલાબસિંહ સરવૈયા, આશાપુરા કન્ટ્રક્શનના લવકુમાર ગોહિલ સહિતના હૉદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.