દેશમાં જીએસટી થકી કર આવક વધારવાના સ્પષ્ટ આદેશો કરવામાં આવ્યા બાદ રાજ્યનું જીએસટી તંત્ર સાબદું થયું છે. રીકવરીના કામ પૂર્ણ કરવા ઉપરાંત બોગસ પેઢીઓ શોધી કાઢી અને તેને જડમૂળથી નાબૂદ કરવાના આદેશ છૂટ્યા છે. આ કવાયત અંતર્ગત ભાવનગર સહિત મોટા શહેરોમાં કાર્યવાહી શરૂ થઇ છે.
ભાવનગર સહિત અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં સ્ટેટ જીએસટી દ્વારા બોગસ પેઢીઓ અને બોગસ બિલિંગને શોધવા માટેની કાર્યવાહીઓ પુન: શરૂ થઇ છે. જેમાં ભાવનગરમાં 7, અમદાવાદમાં 29, સુરતમાં 25, વડોદરામાં 6, રાજકોટમાં 5 પેઢીઓમાંથી ગેરરીતિઓ મળી આવી છે, અને હજુપણ તપાસ ચાલી રહી છે. જીએસટીની ટેક્સ ચોરી, બોગસ બિલિંગને અટકાવવા માટે છેલ્લા 6 માસથી સ્ટેટ જીએસટી તંત્રમાં કોમ્પ્યુટર ડેટા વડે ચકાસણીઓ હાથ ધરવામાં આવી રહી હતી, અને તેને સંબંધિત જિલ્લા મથકેથી કાર્યવાહી કરવા માહિતીના આદાન-પ્રદાન કરવામાં આવ્યા હતા.
છેલ્લા બે વર્ષથી જીએસટી તંત્ર કરચોરીને ડામી દેવા માટે સજ્જ બન્યુ છે, છતાં કરોડો રૂપિયાની ગેરરીતિઓ હજુ પણ ચાલી રહી છે. જીએસટી તંત્રનું કડક વલણ હોવા છતા ભેજાબાજો કોની મદદથી બોગસ બીલિંગ, ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિઓ આચરી રહ્યા છે? જીએસટી દ્વારા કરચોરોને શોધવા માટે કાર્યવાહીઓ તો કરવામાં આવી રહી છે, પરંતુ પોતાના આંગણાની સફાઇ કરવામાં જીએસટી તંત્ર હજુપણ વામણું પુરવાર થઇ રહ્યું છે. જીએસટીના કર્મચારીઓ, અધિકારીઓની મદદ વિના ભેજાબાજો ગેરરીતિને અંજામ આપી શકે જ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.