પ્રજાના રૂપિયાનો ધુમાડો:ભાવનગર કોર્પો.ના પદાધિકારીના વાહનમાં મહિને લાખનો ધુમાડો છતાં નવાનો અભરખો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય કાર્યક્રમોમાં સભ્યોનો અવારનવારમાં થશે ઉપયોગ
  • 6 વાહનો તો હંકારે જ છે અને વધુ 2 નવા ખરીદવાની હિલચાલ

કોર્પો.ના પદાધિકારીઓના વાહનો તો જાણે સીન સપાટા માટે જ હોય તે રીતે અંગત અને રાજકીય ઉપયોગ માટે કરી પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. છતાં હજુ ધરાતા ના હોય તેમ વધુ બે નવી ગાડીઓ ખરીદવાની હિલચાલ શરૂ થઈ છે.

ભાવનગર કોર્પોરેશનના વાહનો પ્રજાકિય કાર્યો માટે ફાળવવામાં આવે છે. પરંતુ મોટાભાગના સેક્રેટરી વિભાગ હસ્તકના વાહનોનો હેતુ સરતો નથી. સેક્રેટરી વિભાગ હસ્તક મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક અને વિપક્ષના નેતા તેમજ કોમન પુલ એટલે કે, અન્ય સભ્યોના ઉપયોગ કે જેમાં ભાડુ ભરપાઈ કરીને વાપરવામાં આવે છે. જો કે, વાહનોના ઉપયોગ અને નિયમો માત્ર કાગળ પર જ છે. આ વાહનોનો ઉપયોગ મોટાભાગે રાજકીય રીતે તેમજ અંગત ઉપયોગમાં વધુ થાય છે. દર મહિને આ વાહનો પાછળ અંદાજીત 1 લાખ રૂપિયાનો ડિઝલ ખર્ચ થાય છે. મેન્ટેનન્સનો ખર્ચ અલગથી થાય છે.

હજુ ઓછુ પડતુ હોય અને રાજકીય આગેવાનો તેમજ સભ્યોને પણ અવરજવરમાં કોર્પોરેશનના જ ખર્ચે ધુમાડો કરવો હોય તેમ વધુ બે વાહનો ખરીદવાની હિલચાલ શરૂ થઈ ગઇ છે.

સીટી બહાર વાહનની મંજુરી જ લેવાતી નથી
કોર્પોરેશનની માલિકી અથવા કોન્ટ્રાક્ટ પરના વાહનો મહાનગરપાલિકા વિસ્તાર બહાર લઈ જવા હોય તો મેયર દ્વારા ઠરાવ કરી મંજુરી આપવી ફરજીયાત હોય છે. પરંતુ સેક્રેટરી વિભાગના વાહનો અવારનવાર શહેર બહાર જવા છતાં કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. તાજેતરમાં જ ભાજપના કાર્યક્રમમાં પાલીતાણા પણ લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં મીટીંગના નામે તો વારંવાર વાહનો બહાર હંકારવામાં જ આવતા હોય છે. કાર્યક્રમોમાં પણ મોડી રાત્રી સુધી વાહનો રોકાયેલા રહે છે.

અન્ય સમાચારો પણ છે...