સમગ્ર દેશમાં ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો હોવાના બિનસત્તાવાર હેવાલો અને છેલ્લા 56 દિવસમાં ગુજરાતના જુદાજુદા દરિયાકાંઠેથી 5700 કિલો મળી આવેલા ડ્રગ્સને કારણે દરિયાઇ અને દરિયાકાંઠાની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ભાવનગર જિલ્લાને 152 કિ.મી. લાંબો દરિયાકાંઠો મળેલો છે અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ તથા ભાવનગર બંદરે પ્રતિ માસ સરેરાશ 25 જહાજ અને 300 વિદેશી ક્રૂ મેમ્બરો આવતા હોવા છતા દરિયાકાંઠાનું પેટ્રોલિંગ અને દરિયાનું પેટ્રોલિંગ કસ્ટમ્સ દ્વારા થતુ નથી અને મરિન પોલીસ દ્વારા માત્ર 20 કિ.મી. સૃુધી કરવામાં આવે છે.
નશીલા પદાર્થો વિદેશથી જળમાર્ગે ગેરકાયદે ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠે લાવવામાં આવી રહ્યો છે, પોરબંદર, મુંદ્રા, ખંભાળીયા સહિતના સ્થળોએથી છેલ્લા 56 દિવસમાં 5700 કિલો ડ્રગ્સ પકડાઇ ચૂક્યુ છે. જે બાબત શંકા પ્રેરે છે કે ગુજરાતના દરિયાકાંઠે મોટા પાયે ડ્રગ્સનું હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું હશે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિ માસ સરેરાશ 20થી 22 વિદેશી જહાજો ભાંગવા માટે આવી રહ્યા છે, અને આવા જહાજો પૈકી ડેડ વેસલ (બંધ જહાજ)ને મહુવાથી અલંગની વચ્ચે લૂંટવાના સંખ્યાબંધ બનાવો પ્રકાશમાં આવેલા છે અને તેના સંબંધિત ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ દળ દ્વારા અનેકની માલસામાન સહિત ધરપકડ પણ કરવામાં આવેલી છે. તેનો સીધો મતલબ થાય છે કે, દરિયામાં વિદેશી જહાજો પર નજર રાખનારું કોઇ નથી. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના અનેક ગામોના લોકો ગેરકાનૂનિ પ્રવૃત્તિઓ માટે પંકાયેલા છે.
અલંગમાં આવતા જહાજો પર ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ બીજા દિવસે જાય છે, ત્યાં સુધી આવા જહાજોમાં કોણ છે, તેમાં શું સામેલ છે? તેની કોઇ માહિતી કે ચેકિંગ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતુ નથી. કસ્ટમ્સ દ્વારા પણ આવા જહાજોનું રૂમેજીંગ કરવામાં આવે છે તેમાં પણ અનેક છીંડા રહેલા છે અને આર્થિક બાબતોને પ્રાધાન્ય આપી ફરજ પરના કસ્ટમ્સ કર્મીઓ આંખ આડા કાન કરી દેશની સુરક્ષા સાથે મોટી રમત કરી રહ્યા છે.
આવા કસ્ટમ્સના કર્મીઓ વિદેશી જહાજમાંથી કિંમતી માલ સામાન ઉતારવામાં જ વ્યસ્ત હોવા અંગેની ફરિયાદો શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા) દ્વારા અવાર નવાર કરવામાં આવેલી પણ છે. અગાઉ ભાવનગર-મહુવા રોડ પરના મોટી જાગધાર ગામેથી 2 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો ઝડપાયા હતા, તેથી ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા પર પર્યાપ્ત સુરક્ષાઓ જાળવવી આવશ્યક બની છે, છતા દરિયાકાંઠાના ગામો નધણિયાત જેવા છે.
14 વર્ષ પછી પણ કસ્ટમ્સને પેટ્રોલિંગ બોટ નહીં
દરિયામાં પોતાનું વિશેષ ન્યાયક્ષેત્ર ધરાવતા કસ્ટમ્સના ભાવનગર ડિવિઝનને 26મી નવેમ્બર 2008માં મુંબઇ પર થયેલા આંતકવાદી હુમલામાં જળમાર્ગનો ઉપયોગ થયા બાદ પેટ્રોલિંગ બોટ ફાળવવાની સરકારી ઘોષણાઓ કરવામાં આવી હતી, પરંતુ 14 વર્ષ બાદ પણ નિંભર સરકારી તંત્ર કસ્ટમ્સને પેટ્રોલિંગ બોટ ફાળવી રહ્યું નથી. ઉપરાંત કસ્ટમ્સ દ્વારા શોર પેટ્રોલિંગ પણ માત્ર કાગળ ઉપર કરવામાં આવી રહ્યું છે.
55 કિ.મી. સુધી વિદેશી ક્રૂ રેઢા, તંત્ર શું બેધ્યાન છે?
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજોમાંથી બીચિંગ બાદ જહાજના ચાલક દળના સભ્યો (ક્રૂ મેમ્બરો)ને અલંગથી બસમાં લવાયા બાદ ભાવનગર કસ્ટમ્સ કચેરીમાં તેઓના સામાનનું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ 55 કિ.મી.ના રસ્તામાં જો કોઇ વિદેશી ક્રૂ કોઇ વાંધાજનક સામાન, નશીલા પદાર્થો, હથિયારો લાવ્યો હોય અને ચાલુ બસ દરમિયાન કોઇને ડિલિવરી આપી દે તો?. અગાઉ ક્રૂના સામાનની ચકાસણી અલંગ કસ્ટમ્સમમાં જ થતી હતી.
દરિયામાં 3 બોટથી 14 માઇલ પેટ્રોલિંગ થાય છે
મરિન પોલીસને 3 બોટ ફાળવવામાં આવેલી છે, અને ત્રણેય બોટ ચાલુ હાલતમાં છે. સશસ્ત્ર પોલીસ દરિયામાં 14 નોટિકલ માઇલ સુધીનું પેટ્રોલિંગ કરી રહી છે. દરિયાની બોટ, જહાજ સહિતની તમામ ગતિવીધિઓ પર નજીકની નજર અમારા પેટ્રોલિંગના સ્ટાફ રાખી રહ્યા છે. નિયમિતપણે મરીન પોલીસની ત્રણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. - એન.એમ.મંડેરા, પીએસઆઇ, મરિન પોલીસ સ્ટેશન, ભાવનગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.