તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભાવનગર ખાતે રૂ.22 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડેપો- વર્કશોપનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થયું

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 નવા બસ સ્ટેશન, 1 એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ.28.20 કરોડના કામોના લોકાર્પણ કર્યા

ભાવનગર ખાતે નવા તૈયાર થયેલા ડેપો-વર્કશોપના ઇ-લોકાર્પણ અવસરે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસોની સ્થિતિનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યાં છીએ.

ગુજરાતમાં 99 ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં 43.72 કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 8 નવા બસ સ્ટેશન, 1 એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ.28.20 કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ.15.52 કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે. તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા. મુખ્યમંત્રીએ ભાવનગર ખાતે રૂ.219 લાખના ખર્ચે તૈયાર થયેલા ડેપો-વર્કશોપનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ પણ કર્યું હતું.

ખાનગી ટ્રાવેલ્સ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવે છે

મુખ્યમંત્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યિક ગતિવિધિ નહીં પરંતુ લોકસેવાનું સાધન છે. તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો. ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે. જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકસાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જોડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.

25 લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં 99 ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જોડાયેલા છે. 16 ડિવિઝન, 125 બસ ડેપો, 135 બસમથકો અને 1554 પીક અપ સ્ટેન્ડ તેમજ 8500 બસીસ દ્વારા 7500 શેડયુલ ટ્રીપથી રોજના 35 લાખ કિ.મી. બસ સંચાલનથી 25 લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપો મેનેજર કંદર્પભાઇએ કર્યું

આ લોકાર્પણ-ખાતમૂહૂર્ત અવસરે ગાંધીનગરથી વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ કમલ દાયાની, એસ.ટી. નિગમના એમ.ડી. હૈદર, જનરલ મેનેજર જેઠવા સહિતના અધિકારીઓ તેમજ ભાવનગર ખાતે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર કિર્તીબાળાબેન દાણિધરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, વિભાગીય નિયામક પી.એમ.પટેલ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પ્રમુખો, પદાધિકારીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપો મેનેજર કંદર્પભાઇએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...