તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:મ્યુકરમાઈકોસિસના કહેર વચ્ચે વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં બે વર્ષથી આંખના ડોકટરના અભાવે વિભાગ બંધ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ સારવાર માટે સિહોર અથવા ભાવનગર જવું પડે છે

ભાવનગર જિલ્લાની વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષતી આંખના ડોકટરની જગ્યા ખાલી પડી હોવાના કારણે આંખનો વિભાગ જ બંધ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અહીંના નાગરિકોએ આંખની સારવાર માટે સિહોર અથવા ભાવનગર જવાની ફરજ પડે છે.

છેલ્લા બે વર્ષથી વલ્લભીપુર શહેર અને આસપાસના સ્થાનિકોને આંખોના નંબરની ચકાસણી, મોતિયાબિંદ, ઝામર, ધૂંધળી દ્રષ્ટિ સહિતની સારવાર માટે સિહોર અથવા ભાવનગર સુધી જવું પડે છે. ચોંકાવનારી બાબત એ છે કે વલ્લભીપુર જેવા સેન્ટરમાં આંખોની સારવાર માટે એક પણ ખાનગી હોસ્પિટલ નથી અને કોઈ ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આંખોની સારવાર ઉપલબદ્ધ નથી, ખાસ કરીને વૃદ્ધો અને વિદ્યાર્થીઓને નંબરના ચશ્મા બહુ સામાન્ય બાબત ગણાય છે. ત્યારે વલ્લભીપુર તાલુકામાં એકપણ આંખોના ડૉકટર ન હોવાથી સિહોર અથવા ભાવનગર સુધી સારવાર માટે જવું પડે છે.

કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન સાથે દર્દીઓને સ્ટીરોઇડ દવાનો ડોઝ આપવામાં આવે છે આ સારવારથી દર્દી કોરોનામાંથી તો ઉગરી જાય છે પણ બ્લડ સ્યુગર લેવલ વધવાને કારણે ઘણા દર્દીઓ મ્યુકરમાયકોસિસ નામની ફૂગજન્ય બીમારીની ઝપટમાં આવી જાય છે. આ બીમારીમાં બ્લેક ફંગસ તરીકે ઓળખાતી ફૂગ દર્દીના નાક વાટે શરીરમાં પ્રવેશી આંખોને નુકશાન પહોંચાડવાનું શરૂ કરે છે અને છેક મગજ સુધી ફૂગનું સંક્રમણ પહોંચે છે.

ઘણી વખત આંખોમાં ફેલાયેલા ચેપને કારણે દર્દીની આંખ કાઢી નાખવી પડી હોય એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આંખોમાં ફેલાતા ચેપને લઈને જો પ્રાથમિક તબક્કામાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે તો સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે. સ્થાનિક દર્દીઓને મ્યુકરનું સંક્રમણ ફેલાતું હોવાનું ધ્યાને આવે અને ભાવનગર કે સિહોર પહોંચે ત્યારે ઘણું મોડું થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ કે વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષોથી આંખના ડૉકટરની જગ્યા ખાલી પડી છે.

વર્તમાન સમયમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસનું સંક્રમણ વધ્યું છે ત્યારે રાજ્ય સરકારે દરેક તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલોને એલર્ટ પર મુક્યાં છે અને મ્યુકરને પણ કોરોનાની જેમ મહામારી જાહેર કરી છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે વલ્લભીપુર તાલુકાની મોટી ગણાતી રેફરલ હોસ્પિટલમાં આંખના ડૉકટર જ નથી. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે વલ્લભીપુર તાલુકામાં આંખોના ડૉકટર ન હોવાની સ્થિતિ વધુ ચિંતાપ્રેરક છે.

જો કે સદભાગ્યે હજુ સુધી વલ્લભીપુર તાલુકા-શહેરમાં મ્યુકરમાઈકોસિસનો એક પણ કેસ નોંધાયો હોવાનું ધ્યાને આવ્યું નથી એમ કહેતા રેફરલ હોસ્પિટલના ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે, જો આવા કોઈ કેસ સામે આવશે તો તેવા દર્દીઓને ભાવનગર રીફર કરવામાં આવશે, વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં આંખ, કાન, નાક, ગળાના ડૉકટરની ખાલી જગ્યા ભરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી.

સ્થાનિકોએ પણ આ અંગે વારંવાર સબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં બે-બે વર્ષથી ખાલી પડેલી આંખના ડૉકટરની જગ્યા ભરાઈ નથી. હવે જ્યારે મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે વલ્લભીપુર તાલુકામાં આંખના ડૉકટર ફાળવાય છે કે પછી નાગરિકોએ સિહોર- ભાવનગર સુધી ઠોકરો ખાવાની મજબૂરી હજુ વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...