તારીખ 16 મેનો દિવસ સમગ્ર દેશમાં ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગરમાં 2020ના વર્ષની તુલનામાં 2021ના વર્ષમાં ડેન્ગ્યુના કેસમાં આઠ ગણો જબ્બર વધારો થયો છે. ભાવનગરમાં 2020ના વર્ષમાં કોરોના આવ્યો ત્યારે ડેન્ગ્યુના માત્ર 43 કેસ નોંધાયા હતા તે ગત વર્ષે 2021માં 8 ગણાથી વધુ વધીને 349 એટલે કે રોજનો સરેરાશ એક કેસ નોંધાયો હતો.
આથી નાની બાબતોમાં અત્યારથી જ કાળજી લઇએ તો ડેન્ગ્યુને હરાવી શકાય છે. ખાસ તો રોગનું મૂળ માદા એડીસ ઇજિપ્તી મચ્છર છે અને તેના કરડવાથી આ રોગ થાય છે. ડેન્ગ્યુ સામે સાવચેતીના ભાગ રૂપે નાની બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. પાણીના પાત્રો ઢાંકીને રાખવા, વરસાદી પાણી ભરાય તેવા પાત્રોનો નાશ કરવો.
મચ્છરનાશક અગરબત્તી અથવા ધૂપનો ઉપયોગ કરવો. નાના બાળકો અને નબળી રોગપ્રતિકાર શક્તિ વાળાને મચ્છરદાનીમાં સુવડાવો, છતની નીકોમાં જમા કચરાનો કચરાનો નિકાલ કરો, આખી બાયના કપડા પહેરો, બારી-બારણા પર મચ્છરને રોકતી જાળી લગાડો જેવા પગલાં લેવા જરૂરી છે તેમ મ્યુ. મેલેરીયા વિભાગના ડો. વિજયભાઇ કાપડીયાએ જણાવ્યું હતુ. દવા યોગ્ય રીતે લેવાથી આ તાવ મટી જાય છે.
મચ્છર કરડ્યા બાદ 3થી 5 દિવસે તાવ આવે
જ્યારે એડીસ મચ્છર ડેન્ગ્યુના કોઈ દર્દીને કરડે છે તો તે દર્દીનું લોહી ચૂસે છે. લોહીની સાથે ડેન્ગ્યુ વાઇરસ પણ મચ્છરના શરીરમાં પ્રવેશે છે. જ્યારે ડેન્ગ્યુ વાઇરસવાળો આ મચ્છર અન્ય કોઈ વ્યક્તિને કરડે છે તો તેનામાંથી તે વાઇરસ તે વ્યક્તિના શરીરમાં પહોંચી જાય છે, જેથી તે ડેન્ગ્યુ વાઇરસથી ગ્રસ્ત થઈ જાય છે. મચ્છર કરડ્યાના ત્રણ-પાંચ દિવસ બાદ દર્દીમાં ડેન્ગ્યુ તાવનાં લક્ષણ દેખાવા લાગે છે. શરીરમાં આ બીમારી ત્રણથી 10 દિવસ રહી શકે છે.
ભાવનગરમાં ડેન્ગ્યુના કેસ
વર્ષ | ડેન્ગ્યુના દર્દી |
2022 | 3 |
2021 | 349 |
2020 | 43 |
2019 | 407 |
2018 | 53 |
2017 | 42 |
2016 | 85 |
ડેન્ગ્યુનાં લક્ષણ
ઠંડી લાગ્યા બાદ અચાનક વધુ તાવ આવવો, માથામાં, માંસપેશીઓ અને સાંધામાં દુખાવો. – આંખોની પાછળના ભાગમાં દુખાવો થવો, જે આંખોને દબાવવાથી કે હલાવવાથી વધી જાય છે. નબળાઈ લાગવી, ભૂખ ન લાગવી, ગળામાં હળવો દુખાવો થવો. શરીર ખાસ કરીને ચહેરો, ગરદન અને છાતી પર લાલ-ગુલાબી રંગના ઉજરડા થવા.
સાધારણ ડેન્ગ્યુ તાવ લગભગ પાંચથી સાત દિવસ રહે છે અને દર્દી ઠીક થઈ જાય છે. ડેન્ગ્યુ હેમરેજિક તાવ (DHF)માં નાક, પેઢામાંથી લોહી આવવું. શૌચ કે ઊલટીમાં લોહી આવવું. સ્કિન પર ભૂરા-કાળા રંગના અને નાનાં-મોટાં ચકામાં પડવાં.જો સાધારણ ડેન્ગ્યુનાં લક્ષણોની સાથે સાથે આ લક્ષણ પણ દેખાય તો ચેતી જવું. બ્લડ ટેસ્ટથી પણ તેની જાણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.