રજૂઆત:પાક રક્ષણ માટે રાજ્ય સરકારની તાર ફેન્સિંગ યોજના હેઠળ મંજૂર થયેલી અરજીઓની સમય મર્યાદા વધારવા માગ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાર ફેન્સિંગ યોજના હેઠળ કામગીરીની સમય મર્યાદા 90 ને બદલે 180 દિવસ નો સમય ગાળો લંબાવવા કૃષિમંત્રીને માંગ ભાજપાના કાર્યકર ભાવેશ ગાબાણી કરી

રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો બાબતે હરહંમેશ સંવેદનશીલતા સાથે સકારાત્મક અભિગમ સાથે પ્રશ્નો ઉકેલતી રહી છે, સરકારનાં સકારાત્મક અભિગમથી ખેડૂતો ખુશ પણ છે. રાજ્ય સરકાર દ્વારા પાકના રક્ષણ માટે જનાવરોથી રક્ષણ મેળવવા માટે ખેડૂતો/ખેડૂત જૂથને કાંટાળા તારની વાડ કરવા સબસીડી યોજના અંતર્ગત મદદ કરી રહી છે.

આ યોજનાનો લાભ લેવા માટે અનેક ખેડૂતોએ અરજી કરી હતી અને તમામ અરજીઓ રાજ્ય સરકારે મંજૂર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ 90 દિવસમાં બિલ રજૂ કરવાની શરતી મંજૂરી આપેલ છે. પણ સમસ્યા એ છે કે 90 દિવસનાં સમયગાળામાં તમામ ખેડૂતોને જરૂરી માલ સમાન જેવા કે સિમેન્ટ કે લોખંડનાં થાંભલા અને તારની બજારમાં અછત અને તારની વાડ બાંધવા માટે મજૂરો સરળતાથી મળતા નથી એટલે ખેડૂતો 90 દિવસમાં આ કાર્ય કરી શકે તેવી સ્થિતિ નથી એટલે સમય મર્યાદામાં જી.એસ.ટી. વાળા બિલ પણ રજૂ થઈ શકે તેમ નથી, તેથી આ યોજનાનો લાભ લઇ શકે તેમ નથી, અને જો આ સમય મર્યાદા માં કામ ન થાય અને બિલ રજૂ ન કરી શકવાને કારણે અરજી રદ્દ થાય તેમ છે, અરજી રદ્દ થતા આવતા વર્ષે નવેસરથી પ્રોસેસ કરવી પડે તેમ છે સાથે નવી અરજી મંજુર થાય કે નહીં તેની રાહ જોવી પડે તેમ છે,આવી પરિસ્થિતિમાં ખેડૂતો માં નારાજગી નું વાતાવરણ બની શકે છે.

જો ખેડૂતો પોતાને ખર્ચે કાંટાળી તારની વાડ કરે તો ખૂબ જ મોંઘું પડે તેમ છે. હવે ચોમાસાને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ચોમાસુ ચાલુ થતા વરસાદને લીધે ખેડૂતોને પોતાનાં ખેતર સુધી જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, તો આવી સ્થિતિમાં તાર ફેન્સિંગ કરવા માટે જરૂરી સામાન વાહન દ્વારા ખેતર સુધી પહોંચાડવો વધુ મુશ્કેલ બને અને મજૂરો દ્વારા તાર ફેન્સિંગ નું કામ કરાવવું પણ અત્યંત મુશ્કેલ બને તેમ છે. આવી વિકટ પરિસ્થિતિ માં જો તાર ફેન્સિંગ કરેલ કામનાં જી.એસ.ટી. વાળા બિલ રજૂ કરવાની મર્યાદા 90 ને બદલે 180 દિવસ કરવામાં આવે તો રાજ્ય સરકાર ની તાર ફેન્સિંગ યોજના હેઠળ મંજુર થયેલ અરજી દ્વારા તમામ ખેડૂતો લાભ સરળતા થી લઈ શકે તેમ છે, સાથે નીલગાય તેમજ રેઢિયાર ઢોર ના ત્રાસ થી મુક્તિ મળે તેમ છે. જેથી તાર ફેન્સિંગ યોજના હેઠળ કામગીરી ની સમય મર્યાદા 90 ને બદલે 180 દિવસ નો સમય ગાળો લંબાવવા ભાજપાના કાર્યકર ભાવેશભાઈ નરશીભાઈ ગાબાણી (પાટણા) એ રાજ્યના સરકાર નાં કૃષિમંત્રી અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, ભાવનગર સમક્ષ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...