ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માન બંનેએ ભાવનગરના ગારિયાધારમાં સભા સંબોધી હતી. કેજરીવાલે અલ્પેશ કથીરિયાને 'આપ'નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. ત્યારબાદ કેજરીવાલે 'કેમ છો બધા?' તેમ કહીને પોતાનું ભાષણ ચાલુ કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની જનતા પાસે બે વચન માંગ્યાં હતાં. એક વચનમાં કહ્યું કે, 'તમે બધા તમારા સોશિયલ મીડિયામાં મેસેજ કરીને કહેજો કે હું મારો મત કેજરીવાલને જ આપવાનો છું, તમે પણ આપજો' અને બીજું વચન માંગતાં કહ્યું હતું કે, 'તમે તમારા ગામ-શેરીમાં ઘરે ઘરે જઇને 100 લોકોને આપમાં જોડાવા અપીલ કરજો...''
કાળા ઝંડાઓથી મને ફરક નથી પડતો'
કેજરીવાલે ભાજપ-કોંગ્રેસને ભાઇ ભાઇ ગણાવતા કહ્યું હતું કે, આ બંને પાર્ટીઓમા ઇલુ ઇલુ ચાલે છે, અડધી રાત્રે બંધ બારણે સભાઓ કરે છે. બંને પાર્ટીઓ કહે છે કેજરીવાલ રાક્ષસ છે, તમે માફ કરશો? ગઇકાલે નવસારીના ચીખલીમાં કાળા ઝંડા બતાવીને મારો વિરોધ કર્યો, પણ મને કોઇ ફરક પડતો નથી. તમે પણ યાદ રાખજો તમારાં બાળકો માટે સ્કૂલો આ કેજરીવાલ જ બનાવશે. અમે ભષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું. અમારા કોઈ ધારાસભ્ય ચોરી નહી કરે જો ચોરી કરશે તો અમે જ જેલમાં મોકલી દઇશું.
'સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરવો છે'
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં આપની 70માંથી 67 સીટ આવી હતી અને ભાજપની 3 સીટ આવી હતી. પંજાબમાં 117માંથી આપની 92 સીટ ભાજપની એક જ આવી હતી. ગુજરાતના લોકો તમામ રેકોર્ડ તોડી નાખો અને ગુજરાતમાં આપની સરકાર બનાવો. સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરવો છે. અમે મોંઘવારી દૂર કરીશુ, તમારો ભાઈ કેજરીવાલ વીજળીનું બિલ ભરી દેશે. આ વખતે મત આપવા જાઓ ત્યારે ઝાડુનું બટન એટલું બધું દબાવો કે આ લોકોને ખબર પડવી જોઈ કે રાક્ષસ કોણ છે.
'ગુજરાતમાં જ શા માટે સિવિલ કોડ લાગુ કરાયો કેમ સમગ્ર દેશમાં લાગુ નથી કરાયો'
ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન સમાન સિવિલ કોડ બાબતે અરવિંદ કેજરીવાલને પ્રશ્ન પૂછતા તેમને જણાવ્યું હતું કે, સમાન સિવિલ કોડ દાખલ કરવાની સરકારની નિયત નથી. ગુજરાતમાં ચૂંટણી સમયે જ સમિતિ બનાવવામાં આવી આ જ રીતે ઉત્તરાખંડની ચૂંટણી વખતે પણ સમિતિ બનાવવામાં આવી હતી. આજે તેનું અસ્તિત્વ પણ નથી. જો સમાન સિવિલ કોડ દાખલ કરવો જ હોય તો ગુજરાતમાં જ શા માટે સમગ્ર દેશમાં કેમ દાખલ કરવામાં આવતો નથી. ભાવનગર શહેરની નીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
કોળી સમાજના આગેવાન આપમાં જોડાયા
કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીએ કહ્યું કે- બે બે મુખ્યમંત્રીના હસ્તે હું આપમાં જોડાયો છું એ ગર્વની બાબત છે. કેજરીવાલે દિલ્હીમાં જે ગેરંટીઓ આપી હતી તે પૂરી કરી છે, તેમજ પંજાબમાં પણ જે ગેરંટી આપી છે તે પૂરી કરી છે. યુવાનનો માટે દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું સહિત અનેક યોજનાઓ હોય તેમજ અનેક ગેરંટીઓ જે કેજરીવાલે આપી છે તે પૂરી કરી છે.
ભાવનગર શહેર ઘણું જ ચર્ચામાં રહ્યું છે સતત આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ભાવનગરમાં આવતાની સાથે જ રાજકારણમાં ગરમાયું હતું અનેક હસ્તીઓ આપમાં જોડાઈ શકે છે તેવી અટકાળો લગાવવામાં આવી રહી છે, ગઈ કાલે સાંજના સુમારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતનો કાફલો ભાવનગર શહેરમાં આવી પહોંચ્યો હતો અને ભાવનગર શહેરના નીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.