બોટાદ લઠ્ઠાકાંડ:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લીધી, કહ્યું- ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફકત કાગળ પર

ભાવનગર22 દિવસ પહેલા
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો ફાઈલ ફોટો
  • થોડા પૈસા માટે ગરીબોના જીવ સાથે રમત રમાઈ રહી છે: અરવિંદ કેજરીવાલ
  • મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં હજારો કરોડોનો ગેરકાયદેસર દારૂનો વેપાર થઈ રહ્યો છે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. તે જ સમયે તેમને માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતના બરવાડા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 32 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકોની હાલત ગંભીર છે.આજે સરટી હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

અરવિંદ કેજરીવાલ જી એ આગળ કહ્યું કે, આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ ગુજરાતમાં ફક્ત કાગળ પર દારૂબંધી છે. કાયદા મુજબ અહીં દારૂની છૂટ નથી, અને આજે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાતમાં કેટલો ગેરકાયદેસર દારૂ વેચાય છે. મારો પ્રશ્ન એ છે કે આ લોકો કોણ છે જેઓ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ કહે છે કે ગેરકાયદેસર દારૂનો ધંધો હજારો કરોડ રૂપિયાનો છે. સ્વાભાવિક છે કે તે લોકોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે, ત્યારે જ તેઓ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નું વેચાણ કરી રહ્યા છે. પૈસા કમાવવા માટે ગરીબોના જીવ સાથે રમત રમાઈ રહી છે. ગેરકાયદેસર દારૂ ના કારણે જે તમામ રૂપિયા જાય છે, તે ક્યાં જાય છે એ એક મોટો પ્રશ્ન છે.

અમારા મતે પીડિત પરિવારોને વળતર મળવું જોઈએ. અમારું માનવું છે કે નાના નાના લોકોને પકડવાથી કંઈ નહીં થાય, તેમના માસ્ટર માઈન્ડને પકડવામાં આવે તે જરૂરી છે. ગુજરાતમાં જેઓ દારૂના માફિયાઓ ચલાવી રહ્યા છે તેમને પકડવા જોઈએ. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, તેથી અમે માનીએ છીએ કે આ અંગે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

મહિલા અને બાળકોના રડવાની ચીસોથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 36 લોકોનાં મોત થયા છે. તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ગઈકાલ રાતથી જ રોજિદ સહિતના ગામોમાં મહિલા અને બાળકોના રડવાની ચીસો અને આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું.ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પીવાથી 36 લોકોના કમકમાટીભર્યા મોત થયાની સૂત્રો દ્વારા માહિતી મળી છે.

મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી
અરવિંદ કેજરીવાલે પછી કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જે લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને જેઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે, ભગવાન તેમને નવું જીવન આપે અને તેમને સ્વસ્થ બનાવે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી ભાવનગર એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થયા હતા.

રોજીદ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરવા માગ
રોજીદ ગ્રામ પંચાયત દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પત્રમાં જણાવ્યું હતું કે, રોજીદ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે માંગણી છે. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે કે, રોજીદ ગામમાં દારૂનું બેફામ વેચાણ થાય છે, જેને કારણે ભયનો માહોલ ઉભો થયો છે અને અસામાજીક તત્વો બેફામ બન્યા છે. તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવે છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા હોવાથી ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે તપાસ શરૂ કરી
સોમવારે બપોર બાદ લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી. જે બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ થતા એટીએસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. એટીએસ દ્વારા લઠ્ઠાકાંડને લઈ મોટો ખુલાસો થવાની સંભાવના છે. આ કાંડમાં કોની કોની સંડોવણી છે? તમામ વિગતો તપાસ બાદ જ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...