જહાજ ભાંગવાનો ઉદ્યોગ ખુદ ભંગાઇ રહ્યો છે. અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં ચાલુ નાણાકીય વર્ષમાં ફેલાયેલી સંકટની પરિસ્થિતિ સતત આગળ ધપી રહી છે. જુલાઇ મહિના દરમિયાન ફક્ત 3 જહાજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે બીચ થયા હતા.
એક સમયે અલંગમાં એક જહાજનું વજન 24,000 ટનનું હતુ, પરંતુ જુલાઇ મહિનામાં જે 3 જહાજ લાગ્યા છે તેનું કુલ વજન 24,198 મેટ્રિક ટન છે. અલંગમાં સરેરાશ 25થી 30 જહાજો બીચ થતા હતા તેની સંખ્યા માત્ર 3 ઉપર આવી જતા ઉદ્યોગકારોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે.
શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ઉપપ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા અનુસાર, સ્ક્રેપના ઘટેલા ભાવ, ડોલરના સતત વધી રહેલા ભાવ, ઇન્ટરનેશનલ માર્કેટમાં જહાજની ઉપલબ્ધીમાં ઘટાડો સહિતના પરિબળો શિપબ્રેકિંગ વ્યવસાય માટે નકારાત્મક વાતાવરણ ઉભુ કરી રહ્યા છે. હજુ આગામી બે મહિના સુધી આ પરિસ્થિતિ યથાવત્ રહે તેવું છે.
સામાન્ય દિવસોની સરખામણીએ અલંગમાં ચહલ પહલ પણ ઘટી રહી છે, હાલ જૂના જહાજ જેમની પાસે છે તેઓ માલનું ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ એક-બે માસ પછી સાવ સન્નાટો છવાઇ જાય તેવી પરિસ્થિતિઓનું અત્યારથી નિર્માણ થઇ રહ્યું છે.
હજુ પરિસ્થિતિ સુધરે તેવા કોઇ અેંધાણ નથી
અલંગમાં જહાજની આવક ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સતત ઘટતી જાય છે. જુલાઇ મહિનો તો સૌથી ખરાબ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજ ખૂબ જ ઓછા ઉપલબ્ધ છે. અલંગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ નિયમોનું પાલન થઇ રહ્યું હોવા છતા ગ્રીન જહાજ ઓછા આવે છે. - વિશ્નુકુમાર ગુપ્તા, પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો.(ઇન્ડીયા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.