વિકાસના દ્વાર ખુલ્યા:ટીપી વિસ્તારમાં બાંધકામની પરવાનગીમાં અભિપ્રાય લેવામાંથી છુટકારો, મંત્રી જીતુ વાઘાણીની બેઠકમાં નિર્ણયો લેવાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની ટીપી સ્કીમ, અધુરા રીંગરોડ સહિતના પ્રશ્નોનો આવ્યો ઉકેલ : અનેક હકારાત્મક નિર્ણયો 150 કરોડના વિકાસ કાર્યો થશે...

ભાવનગરના અધિકારીઓ અને બિલ્ડરો સાથે એક તાકીદની મહત્વપૂર્ણ બેઠક કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે કરી હતી જેમાં ભાવનગરના વિકાસને અવરોધની સમસ્યાઓ માટે કેટલાક હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરી ટી.પી.વિસ્તારમાં બાંધકામની પરવાનગી મળતી ન હતી, અધુરો રીંગરોડ સહિતના પ્રશ્નો ઉકેલી 16 જેટલી ટીપી સ્કીમમાં 150 કરોડના વિકાસ કાર્યો કરવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયોને કારણે સામાન્ય લોકોને પણ પોતાનું ઘર બનાવવામાં પડતી તકલીફો દૂર થશે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની ટીપી સ્કીમો છેલ્લા લાંબા સમયથી સરકારમાં ટલ્લે ચડેલી છે. 12 ટીપી સ્કીમ ડ્રાફ્ટ મંજૂર હોવા છતાં વર્ષોથી સરકારમાં ફાઇનલ થતી નથી. જ્યારે 6 ટીપી સ્કીમ મુસદ્દા રૂપ માટે સરકારમાં પડી છે. મહાનગર પાલિકા વિસ્તારની કુલ 29 ટીપી માંથી માત્ર 9 જ ફાઈનલ છે. પરંતુ ડ્રાફ્ટ ટીપી માં પણ ટીપીઓના અભિપ્રાયની લમણાજીક રહે છે. અભિપ્રાયની માથાકૂટને કારણે બાંધકામ ઉદ્યોગ પર વિપરીત અસર પડે છે. ત્યારે ટી.પી.સ્કીમ પૈકી જેમાં સરકાર દ્વારા ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર થયેલી છે અને સરકાર કક્ષાએથી ટી.પી.ઓ.ની નિમણુક થયેલી છે.

તેવી તમામ ટી.પી.સ્કીમ વિસ્તારમાં વિકાસ પરવાનગીઓ ઝડપથી મળે અને સંક્લન થાય તે હેતુથી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરાયેલું હતું. જેમાં રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડીયા, ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર, ચીફ ટાઉન પ્લાનર, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

જેમાં સબંધિત ડ્રાફ્ટ સ્કીમ મંજુર કરતા સમયે સરકાર કક્ષાએથી જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની શરતોથી વિશેષ કપાતનું ધોરણ લાગુ ન પાડવા નિર્ણય લેવાયેલ સરકાર તરફથી જે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર કરતા સમયે સરેરાશ કપાતનું ધોરણ જાળવી રાખવા આદેશ થયેલો છે, અને જે બે ટી.પી. સ્કીમ 6-સીદસર અને 24-ચિત્રામાં તાંત્રિક પ્રશ્નોને કારણે કામગીરી થઇ શકતી નથી તે માટે સરકારમાંથી નિમણૂક થયેલા સી.ટી.પી.ઓ.નો પરામર્શ મેળવી લેવાનું નક્કી થયેલુ છે.

તદુપરાંત ભાવનગર શહેર વિસ્તારની 16 જેટલી ટી.પી.સ્કીમ જે ડ્રાફ્ટ મંજુર થયેલ છે કે પ્રારંભિક કે આખરી થયેલ છે. તે તમામ વિસ્તારમાં પાણી, રસ્તાનાં કામો માટે વિગતવાર ચર્ચા થયેલી હતી. જેમાં રૂ.150 કરોડ રકમ ફાળવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. આ તમામ ટી.પી.સ્કીમનાં અંદાજીત 2400 હેક્ટર વિસ્તારમાં મૂળભુત સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સર્વાંગી વિકાસ થશે. બેઠકમાં ભાવનગર બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ઇન્દુભા ગોહિલ,પરેશ વ્યાસ, સુરેશ ધાંધલીયા સહિતના જોડાયા હતા.

આઉટર રિંગ રોડ માટે રૂ.125 કરોડ ફાળવાશે
ભાવનગર શહેરના આઉટર રીંગ રોડના કામમાં એક મહત્વની લીંક ભાવનગરનાં નવા બંદર અને જુના બંદર સુધીની છે. જેના અનુસંધાને અંદાજીત રૂ.125 કરોડ જેટલી રકમનો ખર્ચ થનાર છે. જે ખર્ચ ગુજરાત મેરીટાઈમ બોર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્તપણે હાથ ધરવા બાબતે હકારાત્મક દાખવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...