બેદરકારી:જર્જરિત મિલકતો સામે કોર્પો.ની નોટિસની ઔપચારિકત‍ા વચ્ચે જાનહાનીનો ખતરો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં હજુ પણ દોઢસો મકાન છે ભયજનક

ચોમાસુ આવે અને કોર્પોરેશન દ્વારા ભાવનગર શહેરમાં ચીલાચાલુ જર્જરિત મકાનનો સર્વે અને નોટિસ આપવાની ઔપચારિકતા પૂરી પાડે છે. આજ સુધી કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનો અને ભય મુક્ત કરવા કોઈ નક્કર કામગીરી કરી નથી. જેને કારણે જર્જરિત મિલકતો અને તેનો ભાગ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ભીતિ સર્જાયેલી છે.

કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે જ 830 જેટલાને નોટિસ આપી હતી અને તે પૈકી કુલ 171 વધુ જર્જરિત હાલતમાં હતા. જોકે ચોમાસાની શરૂઆતમાં જ 17 જેટલી જર્જરિત મિલકતોને ભય મુક્ત કરાવી હતી પરંતુ દોઢસોથી વધુ મિલકતો હાલમાં પણ જર્જરિત અવસ્થામાં ઉભી છે. જેની સામે કોઇ કાર્યવાહી થતી ન હોય તેનો ભોગ રાહદારીઓ અથવા તો ખુદ મિલકત ધારક જ બને છે. બે દિવસો પૂર્વે ભાદેવાની શેરીમાં એક મિલકતનો જર્જરિત ભાગ ધરાશાયી થતા વાહન દબાઈ ગયું હતું જોકે, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આજે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક કાચા મકાનનુ છાપરુ વરસાદને કારણે પડતા વૃદ્ધાનું મૃત્યુ નીપજયુ હતું.

વરસાદને કારણે હજુ પણ શહેરમાં અનેક મિલકતો અને કાચા મકાનો જર્જરિત હાલતમાં હોવાથી જાનહાનિની શક્યતા રહે છે. તદુપરાંત ઘણા ફ્લેટમાં પણ બાલકની સહિતના ભાગો જર્જરિત હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે પણ ખતરારૂપ સાબિત થાય છે.

પ્રભુદાસ ચોકમાં મકાન પડી જતા વૃદ્ધાનું મોત નિપજ્યુ
ભાવનગર શહેરના પ્રભુદાસ ચોક નવી જોગી વાડ બાપાની મઢુલી પાસે આજે વરસાદના કારણે પડી ગયેલ મકાનમાં ગંભીર રીતે ઇજા પામેલ સમજુબેન મનુભાઇ રાઠોડ (ઉંમર વર્ષ 80 )નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...