સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટાઓ અપલોડ કરનારાઓ પર પોલીસ સખ્ત થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ ગેંગવોર ચાલતા હોય છે. આ ગેંગવોર લોહિયાળ હોતા નથી પરંતુ તેનાથી ઓછા પણ તેને ગણી શકાય નહી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તલવાર, ધોકા, બંદુક સાથે ફોટાઓ મુકીને એક ગેંગ બીજી ગેંગને ઉકસાવતી હોય છે અને તેના લીધે ગંભીર ગુન્હાઓ બનતા હોય છે. આવી સ્થિતિઓ પર કંટ્રોલ મેળવવા ભાવનગર પોલીસે કમરકસી છે.
કોરોનાકાળમાં માસ્ક ડ્રાઈવ અને રાત્રી કર્ફ્યુનો બંદોબસ્ત હળવો થતાં પોલીસે હવે સોશિયલ મીડિયા પર હથિયારો મુકનારા શખ્સો સામે કાર્યવાહી કરી છે. ચાલુ માસમાં જ પોલીસે એક ડઝન જેટલા શખ્સોને ઝડપી ગુન્હો નોંધ્યો છે.વેબસીરીઝ જોયા બાદ યુવાનોમાં આવી પોસ્ટ મુકવાનું ચલણ વધ્યું છે. સગા-સંબંધી અને મિત્રોના લાઈસન્સવાળા હથિયારો સાથે ફોટા મુકતા હોય તો લાઈસન્સ ધારક સામે પણ ગુન્હો નોંધવામાં આવે છે. જો કોઈ પોલીસ કર્મચારી આવું કૃત્ય કરશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે. જોકે હજુ સુધી ભાવનગરમાં એવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી.
સાયબર ટીમ વોચ રાખે છે
હથિયારોનું લાઈસન્સ હોવાથી તેના ફોટા વીડિયો બનાવવાનો તથા તેને સોિશયલ મીડિયામાં શેર કરવાનો પરવાનો નથી મળી જતો, સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ મુકવાથી સમાજમાં ભયનો માહોલ ફેલાવનારા સામે સાયબર ટીમ વોચ રાખી રહી છે તેની સાથે હું ખુદ પણ સોશિયલ મીડિયા પર નજર રાખું છું અને આવી પોસ્ટ દેખાય તો ટીમનું ધ્યાન દોરી કાર્યવાહી કરાવું છું. > અશોકકુમાર યાદવ, રેન્જ આઈજી-ભાવનગર રેન્જ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.