બોગસ બિલિંગ વડે કરચોરી કરી રહેલા તત્વો સામે ક્રાઇમ બ્રાંચે કામગીરી હાથ ધરી છે. અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે વધુ 3 આરોપીઓની ધરપડક કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરાતા 4 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એકને મોડાસા ખાતે પકડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાલ ચાલુ છે.
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર નિરમા પાટીયા પાસે, સનેસ ગામ ખાતે પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ દરમિયાન લોખંડના સળીયા ભરેલા બે શંકાસ્પદ ટ્રક રોકી ચેક કરવામાં આવતા ડ્રાઇવરો દ્વારા રજૂ કરવામાં આવેલા જીએસટી બિલો સંબંધિત તંત્ર પાસે ચકાસણી કરાવાતા બિલો ખોટા હોવાનું જણાઇ આવ્યુ હતુ. પોલીસ તંત્રે 33 ટન લોખંડના સળીયા સહિત 22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અને લોકલ ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરતા મૃગેશભાઇ ઉર્ફે ભૂરો હસમુખભાઇ અઢીયા, દેવાંશુ બીપીનભાઇ ગોહેલની ધરપકડ કરી 5 દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચની વધુ તપાસ દરમિયાન જીએસટીના આર્થિક કૌભાંડમાં ધ્રુવિત મહેશભાઇ માંગુકીયા (સુભાષનગર), મલય અરૂણકુમાર શાહ (રૂપાણી), દિપકભાઇ વ્રજલાલ મકોડીયા (જવાહર મેદાન સામે)ભાવનગરની અટકાયત કરી 4 દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કામે વધુ પોલીસ તપાસ દરમિયાન કૌભાંડમાં સામેલ વિક્રમભાઇ ઉર્ફે પોપટભાઇ પટેલ (મોડાસા, અરવલ્લી)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભૂરો ક્યાંક નામ ન આપી દે : GSTમાં ફફડાટ
મૃગેશ અઢીયા ઉર્ફે ભૂરાના રોડ બિલની ગેરરીતિઓ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી, અને જીએસટી તંત્રમાં થતી ચર્ચાઓ મુજબ, ભૂરાના સેટિંગ ઉચ્ચ કક્ષાએ હોવાથી તેના બિલ વિનાના, ખોટા બિલ વાળા ટ્રકને અટકાવવાની હિંમત સીજીએસટી, એસજીએસટીના અધિકારીઓ પણ કરી શક્તા ન હતા, પરંતુ ક્રાઇમ બ્રાંચના હાથે ભૂરો પકડાતા જીએસટીમાં ફફટાટ ફેલાયો છે કે, તપાસ દરમિયાન ભૂરો ક્યાંક સંડોવાયેલા કર્મીઓના નામ ન આપી દે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.