પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રહેતા રાવળદેવ આધેડની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીને ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રોકડ દંડ પણ ફટકાર્યો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5-9-2021ના રોજ પાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી, જુના ઘેલાપર, લુવારવાડી ખાતે રહેતા અશોકભાઈ નાનુભાઈ પાંગળ રાવળદેવ ઉ.વ.43ની અશોકભાઈના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવુના કહેવાથી તેના પ્રેમી રાજુ રામજીભાઈ કણબી રાવળદેવ ઉ.વ.35 રહે. નાની રાજસ્થળી કાગડાધારએ મોડીરાત્રીના અશોકભાઈ સુતા હતા, તે દરમિયાન માથાના પાછળના ભાગે લોખંડનો જાડા સળીયાનો ઘા ફટકારી હત્યા કરી હતી.
આ બનાવ અંગેની ફરીયાદ અશોકભાઈના પુત્ર રાહુલે નોંધાવતા પાલીતાણા પોલીસે આઈપીસી 302, 120 બી, 34 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. અશોકભાઈના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવુને કાગડાધાર ખાતે રહેતા રાજુ કણબી સાથે પ્રેમ પાંગર્યો હોય તેમા પતિ આડખિલી રૂપ બનતો હોય તેનો કાંટો કાઢી નાખવાનો નક્કી કર્યુ હતું. ત્યારે ગત તા.5-9-2021 ના રોજ ભાવનાબેનના કહેવાથી રાજુ કણબીએ રાત્રીના 2:30 વાગ્યા આસપાસ અશોકભાઈ વાડામાં સુતા હતા તે દરમિયાન ત્યાં જઈ માથામાં લોખંડના સળીયાના ફટકા મારી હત્યા કરી નાસી છુટ્યો હતો. જેની ફરિયાદના આધારે બન્નેની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કાર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મનોજ જોષીની દલીલો તેમજ મૌખીક પુરાવા અને 35 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ અશોકભાઈના પત્ની ભાવના ઉર્ફે ભાવુ તથા તેના પ્રેમી રાજુ રામજી કણબીને આજીવન કેદની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.