સિહોરના આંબલા ગામે રહેતા ચકુભાઈએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામૂહિક આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઈ જેલમાં સજા ભોગવી રહ્યા હતા અને પેરોલ પર છૂટી પત્ની સાથે આપઘાત કરી લેતાં ત્રણ સંતાને માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે. ચકુભાઈની પેરોલ પૂરી થતી હોઈ, આજે તેમને જેલમાં હાજર થવાનું હતું.
ચકુભાઈને આજે જેલમાં હાજર થવાનું હતું
આ બનાવની જાણ થતાં લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. જ્યારે આ બનાવના પગલે સોનગઢ પોલીસે ત્યાં દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આંબલા ગામના ચકુભાઈ રામજીભાઈ વાઘેલા કોઈ ગુનામાં જેલની સજા કાપી રહ્યા હતા. જોકે પેરોલ પર બહાર હોય અને આજે તેમની પેરોલ પૂર્ણ થતાં જેલમાં હાજર થવાનું હોય ત્યારે વહેલી સવારે ચકુભાઈ તેની પત્ની ભાવુબેનને લઈ નીકળી ગયા હતા. ત્યાર બાદ ડુંગરાળ વિસ્તારમાં જઈ એક ઝાડ પર સાડી વડે ગળેફાંસો ખાઈ બંનેએ આપઘાત કરી લીધો હતો.
દંપતીએ ત્રણ સંતાનની પણ પરવા ન કરી અને આપઘાતનું પગલું ભર્યું
આ બનાવની જાણ તેનાં પરિવારજનો અને અન્ય લોકોને થતાં તેઓ ત્યાં દોડી ગયાં હતાં અને સોનગઢ પોલીસને પણ આ બનાવ અંગે જાણ કરતાં એ પણ ત્યાં દોડી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહ નીચે ઉતારી પંચનામું કર્યું હતું, બાદમાં બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આપઘાત કરવા અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી. જ્યારે આ દંપતીએ પોતાનાં ત્રણ સંતાનની પણ પરવા ન કરી અને પોતાના જીવનનો અંત આણી દીધો હતો.
(ભરત વ્યાસ, ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.