ભાવિ સાથે ચેડા:કોર્પોરેશનની ભરતીનું ભોપ‍ાળું : એક ઉમેદવારને એક જ સમયે 3 પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ સક્ષમ ઉમેદવાર એક જ પરીક્ષા આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ
  • કુલ 37892 અરજી પૈકી 14178 ઉમેદવારોએ ફી પણ ભરી દીધી, અનેક ઉમેદવારો પરીક્ષા ફી ગુમાવશે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ જુદી જુદી 55 ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં તંત્ર દ્વારા ગંભીર ક્ષતિઓ દાખવતા ઉમેદવારોને પરીક્ષામાં પણ મુશ્કેલી પડે તેવું તંત્રએ પ્લેટફોર્મ રચ્યું છે. એકસરખી શૈક્ષણિક લાયકાત વાળા ઉમેદવાર જુદી-જુદી ત્રણ જેટલી કેટેગરીમાં ફોર્મ ભર્યા છે જેની એક જ તારીખે એક જ સમયે પરીક્ષા હોવાથી ઉમેદવાર માત્ર એક જ પરીક્ષા આપી શકશે. પરીક્ષાની તેની ફી પણ જાશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 13 કેટેગરીની 55 જગ્યામાં સીધી ભરતી માટે આગામી 26મી સપ્ટેમ્બરના રોજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે. જે માટે 14178 ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી સ્પર્ધા માટે સંમત થયા છે. લાંબા સમય બાદ કોર્પોરેશનમાં યોજાનાર સીધી ભરતીની પરીક્ષા આવકારદાયક છે પરંતુ આ પરીક્ષા પ્રક્રિયામાં મહેકમ વિભાગ દ્વારા અણઘડ આયોજન કરતા અનેક ઉમેદવારોને પોતાના ભાવિ ઘડતર માટેની સ્પર્ધામાંથી પીછેહઠ કરવી પડશે.

કોર્પોરેશન દ્વારા જુદી જુદી 13 કેટેગરીની જગ્યા માટે પરીક્ષા યોજી છે. પરંતુ તે પૈકી ઘણી કેટેગરીઓ એવી છે કે જેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત મુજબ એકથી વધુ કેટેગરીની સ્પર્ધામાં સમર્થ છે. જેથી ઉમેદવારોએ એક કરતાં વધુ કેટેગરીમાં ઝંપલાવી પરીક્ષા ફી પણ ભરપાઈ કરી છે.

પરંતુ તમામ પરીક્ષાઓ એક જ દિવસે એક જ સમયે હોવાથી એકથી વધુ કેટેગરીમાં ફોર્મ ભરેલા ઉમેદવાર માત્ર એક જ પરીક્ષા આપી શકશે. અન્ય તમામ કેટેગરીમાં પરીક્ષા ફી પણ વ્યર્થ જશે અને સ્પર્ધામાં પણ પોતાની સક્ષમતા દેખાડી શકશે નહીં. જેથી ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ છે અને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા અથવા તો પરીક્ષા ફી પરત કરવા માટે માગણી પણ કરી છે.

ફેક્ટ ફાઈલ
કુલ કેટેગરી13
કુલ ખાલી જગ્યા55
કુલ અરજી37892
પરીક્ષા ફી ભરેલ ઉમેદવાર14178

ઉમેદવારને કાર્યપાલક, ના.કા.ઇ., ટેક.અાસી. અને સિનિયર ક્લાર્કની એક સાથે પરિક્ષા
ભાવનગર કોર્પોરેશન દ્વારા અાગામી 26 મીએ યોજાનાર સ્પર્ધાત્મક પરિક્ષામાં ગ્રેજ્યુએટ અને તેની સમક્ષની લાયકાત ધરાવતા ઉમેદવાર ત્રણ જેટલી જગ્યા પર ઉમેદવારી કરી શકે તે રીતે શૈક્ષણિક લાયકાત છે. જેથી અનેક ઉમેદવારોએ ત્રણેયમાં ઝંપલાવ્યું છે. પરંતુ ત્રણેય કેટેગરીની એક જ દિવસે એક જ સમયે પરિક્ષા છે. જેમા ટેકનિકલ અાસી. સિવિલ માટે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, કાર્યપાલક - ના.કા.ઇ. સિવિલ માટે જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ તેમજ સિનિયર ક્લાર્ક માટે ઘરશાળા વિનય મંદિરમાં પરીક્ષા યોજાશે. એક જ ઉમેદવાર ત્રણેય સ્થળે એક જ તારીખે એક જ સમયે પરિક્ષા આપી શકે તેવી કોઇ સંભાવના નથી.

અન્ય સમાચારો પણ છે...