કાર્યવાહી:બી.યુ.માં કોર્પો. ફરી પટમાં આવ્યું, ત્રણ બિલ્ડીંગ સીલ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટની વારંવારની ફટકાર બાદ પગલા લેવાયા
  • વિજયરાજનગર, આરટીઓ રોડ અને એરપોર્ટ રોડ પર ડાયમંડ યુનીટ અને કોમ્પલેક્ષ સામે કાર્યવાહી

બી.યુ.પરમીશન વગરની મિલકતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા અવારનવાર સરકારને તાકીદ કરવા છતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી નહીં કરાતા અંતે આજથી ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરતા બે ડાયમંડ બિલ્ડીંગ સહિત ત્રણને સીલ કરવામાં આવ્યા છે. બીયુ પરમિશન ન હોય અને ફાયર એન.ઓ.સી. ન લીધી હોય તેવી મિલકતો સામે કાર્યવાહી કરવા કોર્ટની વારંવાર ફટકાર છતાં ભાવનગર કોર્પોરેશન દ્વારા કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ દ્વારા બીયુ પરમિશન મેળવી ન હોય તેવી 190 મિલકતોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.

અંતે કોર્ટની કડકાઈ સામે નહિ ચાલતા ભાવનગર કોર્પોરેશન દ્વારા આજથી બીયુ પરમિશન ન હોય તેવી મિલકતો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરાયું છે. આજે વિજયરાજનગર ખાતે આવેલા ડાયમંડ યુનીટ રૂમી એક્સપર્ટ તેમજ આરટીઓ રોડ પર આવેલા વિધિ જેમ્સને સીલ મરાયા હતાં. તદુપરાંત એરપોર્ટ રોડ પર આવેલા રહેણાંકી અને કોમર્શિયલ બિલ્ડીંગ શિવાનંદ ઈન્ફ્રાકોનની 4 દુકાનોને સીલ મરાયા હતા. બિલ્ડીંગમાં ઉપરના માળે રહેણાંકી હોવાથી હાલમાં કાર્યવાહી કરાઈ નહીં. જ્યારે ડાયમંડ યુનીટોના એક એક માળને સીલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...