સાધારણ સભા:કોર્પો.ના અધિકારીઓ શાસકોને ઉઠા ભણાવે છે, સફાઈમાં તંત્રનું જુઠ્ઠાણુ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રથી તોબા પોકારી ગયેલા ભાજપના સભ્યોએ સભામાં ચુપકીદી તોડી
  • સ્વચ્છતા માટે ખર્ચમાં આગળ સર્વેક્ષણમાં રહી ગયું પાછળ, વહીવટી તંત્રની ગંદકી ઉલેચવા સભામાં શાસક વિપક્ષ એક થયા

ભાજપના નગરસેવકોનું કોર્પોરેશનમાં કંઈ ઊપજતું ન હોય તેમ હવે અધિકારીઓ પણ નગરસેવકોને ખોટા જવાબો આપી ઉઠા ભણાવે છે. આજે મળેલી સાધારણ સભામાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાયેલા ભાવનગર શહેર માટે ઉઠાવેલા પ્રશ્નમાં જાહેર શૌચાલયોની સફાઈ બાબતે ભાજપના નગર સેવકોને અધિકારીઓ દ્વારા ખોટા જવાબ આપવામાં આવતા હતા.

કોર્પોરેશનની સાધારણ સભા અને સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના નગરસેવકોને ચુપકીદી સેવવા સંગઠનની સુચના હોવાથી મોટાભાગે નગરસેવકો તંત્રની બેદરકારી પણ છતી કરી શકતા નથી. પરંતુ પાણી માથા પરથી ચાલ્યું જાય ત્યારે ભાજપના નગરસેવકો પણ અસલ મિજાજમાં આવી જાય તેવું વાતાવરણ આજે મળેલી સભામાં સર્જાયું હતું. સભાની પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષી સભ્ય જયદીપસિંહ ગોહિલે સ્વચ્છતા પાછળ ભાવનગર કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વખતે દેશભરના શહેરોમાં 58 માં ક્રમમાંથી 199 ના ક્રમમાં પાછળ ધકેલાવાનું કારણ પૂછતા સંબંધિત અધિકારીઓ પણ ગેંગે-ફેફે થઈ ગયા હતા. સ્વચ્છતા માટેના કરોડો રૂપિયાના ખરીદ કરેલ સંસાધનો ધુળ ખાઈ રહ્યા છે. દર મહિને રૂ.1.34 કરોડ સોલિડ વેસ્ટ મેન્ટેનન્સ ખર્ચ કરે છે.

સ્વચ્છતા પાછળ મહેકમ થી લઈ તમામ સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિણામ શૂન્ય મળતા સભામાં રોષ ઠાલવ્યો હતો. જાહેરમાં ગંદકી ફેલાવતા નગરજનોને સીસીટીવીના માધ્યમથી તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે પરંતુ તંત્રની બેદરકારીને કારણે જાહેર સ્થળો પર ફેલાયેલી ગંદકી કે રસ્તા પર વેચતા રજકા તંત્રને નહીં દેખાવાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં શાસક પક્ષના નગરસેવકોએ પણ સુર પુરાવી તંત્રની બેદરકારીના જાત અનુભવો રજૂ કર્યા હતા.

જાહેર શૌચાલયો અને ટોયલેટની સફાઈ પાછળ દર મહિને રૂ.3 લાખ ખર્ચ કરવા છતાં ગંદકી અને બદબૂથી ખદબદી રહ્યા છે. તંત્ર દ્વારા સફાઈમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ભાજપના નગરસેવકોએ જણાવ્યું હતું. ટોયલેટની સફાઇ બાબતે અધિકારી દ્વારા નગરસેવકોને ખોટા જવાબો આપતા હોવા સાથે ફોટા સહિતના સબૂત પણ રજુ કરવાની તૈયારી દેખાડી હતી.

અધિકારીઓની ગંભીર બેદરકારી અને સંકલનના અભાવે શહેરની સફાઈ ખાડે ગઈ હોવા બાબતે મેયરે પણ અધિકારીઓને તાકીદ કરી હતી. સભા દરમિયાન જયદીપસિંહ ઉપરાંત ધીરુભાઈ ધામેલીયા, કુમારભાઈ શાહ, બાબુભાઈ મેર, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, રાજુભાઈ પંડ્યા સહિતનાએ ચર્ચામાં ભાગ લીધો હતો.

રજકાની ફરિયાદ કરે તો સભ્યોના નામ આગળ ધરી દે
શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેર માર્ગોપર વેચતા રજકા વિરુદ્ધ નગરસેવકો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા ફરિયાદી નગરસેવકોના નામ રજકા વેચતા અને ખરીદતા લોકોને આપી દેતા ઘણીવાર નગરસેવકો સાથે પણ ઘર્ષણ ઉભું થતો હોવાનો રોષ સભામાં ઠાલવ્યો હતો. તદુપરાંત રજકા બાબતે ક્યાં વિભાગની જવાબદારી બને તે માટે પણ એકબીજા અધિકારીઓ ખો આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...