રસીકરણથી દૈત્ય કાબૂમાં:કોરોનાનું શહેરમાં શમન, 29 દિવસ બાદ ભાવનગર શહેર પુન: કોરોનામુક્ત થયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાલુકા-ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનાની સારવારમાં
  • ભાવનગરમાં​​​​​​​ એક દર્દી કોરોનાની સારવારમાં હતો તેણે મહામારી સામે જંગ જીતતા શહેરમાં એક પણ એક્ટિવ દર્દી નથી : રિકવરી રેઈટ વધીને 98.86 ટકા થઈ ગયો

ભાવનગર શહેરમાં આજે એક કોરોના પોઝિટિવનો દર્દો હતો તે રોગમુક્ત થઇ જતા 29 દિવસના સમયગાળા બાદ પુન: ભાવનગર શહેર કોરોનામુક્ત થઇ ગયું છે. આજે શહેર કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો પોઝિટિવ દર્દી મળ્યો નથી. હવે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનાની સારવારમાં રહ્યાં છે. દીપોત્સવીના તહેવારો નજીકમાં આવી રહ્યાં છે ત્યારે ભાવનગર મહાનગર માટે આ સારા સમાચાર છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દર્દી કોરોનાની સારવારમાં હતો અને આજે આ મહિલા દર્દી કોરોનામુક્ત થતા આજની તારીખે ભાવનગર શહેરમાં કોરોનાનો એક્ટિવ દર્દી નથી.

શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 14,018 દર્દીઓ પોઝિટિવ્ નોંધાયા છે અને તે પૈકી 13,858 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.86 ટકા થઇ ગયો છે. જ્યારે ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો નથી. જ્યારે હવે 2 દર્દી હાલ કોરોનાની સારવારમાં છે જેમાં એક દર્દી હોસ્પિટલમાં અને બીજો એક દર્દી હોમ આઇસોલેશન રહીને સારવાર લઇ રહ્યાં છે. આજ સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ 7444 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 7304 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ 98.12 ટકાએ યથાવત રહ્યો છે.

શહેરમાં 29 દિવસમાં નવા 5 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં આજથી 29 દિવસ પૂર્વે કુલ કેસ 14,013 હતા તેમાં આ 29 દિવસના સમયગાળામાં શહેરમાં નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે હવે કોરોનામુક્ત થઇ જતા શહેર હવે પુન: કોરોનામુક્ત થઇ ગયું છે.

શહેરમાં 96 ટકાથી વધુ રસીકરણ
ભાવનગર શહેરમાં કોરોના વેક્સિનેશનના કુલ લક્ષ્યાંક 4,43,600 પૈકી 4,26,781 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લેતા દશેરા સુધીમાં શહેરમાં પ્રથમ ડોઝ 96.21 ટકા લોકોએ લઇ લીધો છે અને હવે માત્ર 16,819 લોકો રસીના પહેલા ડોઝથી વંચિત છે.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 29 દિવસમાં નવા 8 કેસ
ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં 29 દિવસ દરમિયાન કોરોના પોઝિટિવના નવા 8 કેસ નોંધાયા છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 29 દિવસ પૂર્વે કુલ કેસ 7436 હતા તે આજે વધીને 7444 થઇ ગયા છે. એટલે શહેર કરતા 3 કેસ વધુ મ‌ળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...