પ્રશંસનિય:દોઢ માસમાં કોરોના રિકવરી રેઇટમાં 16.81%નો‌ વધારો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીઓનો સાજા થવામાં ભાવનગર જિલ્લાનો દર 69.99% હતો તે વધીને 86.80% થયો

શહેર અને જિલ્લામાં આજથી દોઢ મહિના પહેલા કોરોના પોઝિટિવના કુલ 1,566 કેસ હતા અને તેની સામે 1096 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ગયા હતા એટલે કે આજથી દોઢ મહિના પહેલા કોરોનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં સાજા થવાનો દર 69.99% હતો. ત્યાર બાદ છેલ્લા દોઢ મહિનામાં ધીમે ધીમે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાની એટલે કે રિકવરી રેટમાં વધારો થતો ગયો છે. જે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર છે.

રિકવરી રેટ વધે અને એક્ટિવ દર્દીઓ ઘટે એટલે કોરોના નો રોગચાળો ધીમે ધીમે કાબૂમાં આવે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની ટકાવારીમાં 16.81 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.બીજી રીતે કહીએ તો જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં 2,079 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં તા. 3 ઓગસ્ટના રોજ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,566 હતી અને તેની સામે 1,096 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ચુક્યા હતા. એટલે કે ત્યારે રિકવરી 69.99 ટકા હતો.

હવે જ્યારે દોઢ મહિના બાદ ભાવનગર જિલ્લામાં આ તુલના કરીએ તો આજે જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,658 છે તેની સામે 3,175 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. એટલે કે આજે ભાવનગરમાં રિકવરી 86.80 ટકા થઈ ગયો છે. જે છેલ્લા દોઢ મહિનામાં 16.81% નોંધપાત્ર વધારો દર્શાવે છે. ભાવનગરમાં કોરોનાનો રિકવરી રેઈટ સારો છે ઉપરાંત ડેથ રેટ પણ ઓછો છે. અત્યાર સુધીમાં કુલ 3658માંથી માત્ર 55 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...