તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:કોરોનાના પોઝિટિવ કેસમાં આ સપ્તાહે 16% નો ઘટાડો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેકોર્ડ બ્રેક 430 દર્દી ડિસ્ચાર્જ
  • રવિવારે કુલ 375 કેસ : ભાવનગર શહેરમાં 224 અને ગ્રામ્ય કક્ષાએ 151 પોઝિટિવ કેસ
  • ગત સપ્તાહે સમગ્ર જિલ્લામાં કુલ 3465 કેસ નોંધાયેલા તે આ સપ્તાહે ઘટીને 2901 થઇ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં મે માસના બીજા સપ્તાહમાં કોરોન કુણો પડે તેવી આશા જાગી છે. ગત સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 3465 કેસ નોંધાયા હતા તે આ સપ્તાહે ઘટીને 2901 થઇ જતાં એક જ સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસમાં 16.28 ટકાનો નોંધપાત્ર ઘટાડો થતા હોસ્પિટલો પણ થોડું ભારણ ઘટ્યું છે જો કે હજી કોરોનાની લહેરમાં બેદરકારી પાલવે તેમ નથી. આજે ભાવનગર શહેર-જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 375 નોંધાયા તેની સામે 430 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આમ, આજે પણ કોરોનાના નવા કેસ મળે તેની સામે સાજા થયાનો આંક વધ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે 224 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 136 પુરૂષ અને 88 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 306 દર્દીઓ કોરોનામુક્ત થયા જેમાં 202 પુરૂષ અને 104 મહિલાનો સમાવેશ થાય છે. આજે શહેરમાં 4 દર્દીના કોરોનાથી સરકારી ચોપડે મોત નોંધાયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 151 કેસ નોંધાયા હતા જ્યારે 124 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

રિકવરી રેઇટ વધીને 73.16 ટકા થઇ ગયો
થોડા દિવસો પહેલા સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ ઘટીને 69 ટકા સુધી આવી ગયો હતો આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17,345 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં કુલ 12,689 દર્દીઓ સાજા થઇ ગયા હોય સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 73.16 ટકા થઇ ગયો છે.

વિક્રમ : દર કલાકે 18 દર્દીઓ સાજા થયા
ભાવનગર શહેરમાં આજે 306 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પણ 124 મળી કુલ એક દિવસમાં રેકોર્ડબ્રેક 430 દર્દીઓ કોરોનામુક્ત થતા આજે એક દિવસમાં દર કલાકે 18 દર્દી કોરોનામુક્ત થયા હતા. એક દિવસમાં આ અગાઉ ક્યારેય ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 400 કે તેનાથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા ન હતા.

તાલુકાઓમાં તળાજામાં સર્વાધિક 41 કેસ
આજે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 37, ઘોઘા તાલુકામાં 18, તળાજા તાલુકામાં 41, મહુવા તાલુકામાં 18, વલ્લભીપુર તાલુકામાં 6, પાલિતાણા તાલુકામાં 4, સિહોર તાલુકામાં 12, ગારિયાધાર તાલુકામાં 5, ઉમરાળા તાલુકામાં 5 તેમજ જેસર તાલુકામાં 5 કેસ મળી કુલ 151 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...