સોમવારના સારા સમાચાર:એક સપ્તાહમાં કોરોનાના કેસ ત્રણ ગણા ઘટી ગયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહે 24 કેસ મળેલા તે આ સપ્તાહે ઘટીને 8 થઈ ગયા
  • રોજની 3 કેસની એવરેજ થયેલી તે ઘટીને 1 થઈ ગઈ
  • ભાવનગરમાં ગત સપ્તાહે 36 એક્ટિવ કેસ હતા તે ઘટીને આ સપ્તાહે 12 થઈ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં ડિસેમ્બરના આરંભના સપ્તાહમાં જાણે કોરોનાએ પુન: હુમલો શરૂ કર્યો હોય તે રીતે ગત સપ્તાહમાં 24 પોઝિટવ કેસ નોંધાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી તો બીજી બાજુ આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઇ હતી. પણ આ સપ્તાહે છેલ્લાં 7 દિવસમાં કોરોનાના માત્ર 8 જ નવા કેસ નોંધાતા ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોનાના નવા નોંધાયેલા કેસમાં 3 ગણો ઘટાડો થતા રાહતનો અનુભવ થયો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહના અંતે એક તબક્કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 36 થઇ ગઇ હતી. તે ગઇ કાલ શનિવારે સપ્તાહ પૂર્ણ થયું ત્યારે ઘટીને 12 થઇ ગઇ હતી. શહેર અને જિલ્લામાં હવે પુન: કોરોનાનો કહેર શમતો જાય છે. જે સારા સમાચાર છે.

બીજા ડોઝમાં 89.76 ટકા લક્ષ્યાંક સિદ્ધિ
શહેરમાં કોરોના રસીકરણમાં બીજા ડોઝમાં પણ હવે રસીકરણની ટકાવારી વધી છે. શહેરમાં રસીકરણ માટે કુલ લક્ષ્યાંક 4,43,600 છે અને તેની સામે શનિવાર સુધીમાં કુલ 3,98,184 લોકોએ રસીનો બીજો ડોઝ લઇ લેતા બીજા ડોઝમાં ટકાવારી 89.76 ટકા થઇ છે.

રવિવારે એક પણ નવો કેસ ન મળ્યો
ભાવનગર શહેર ને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે રવિવારે કોરોના પોઝિટિવનો એક કેસ મળ્યો નથી. ભાવનગર શહેરમાં હાલ 11 અને ગ્રામ્ય કક્ષાએ એક મળીને કુલ 12 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 14064 દર્દીઓ મળ્યા છે અને તે પૈકી 13893 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે અને હાલ 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જ્યારે શહેરમાં ક્વોરેંટાઇનની સંખ્યા ઘટીને 81 થઇ ગઇ છે. શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ વધીને 98.78 ટકા થઇ ગયો છે. જ્યારે આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એકેય નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 7449 દર્દીઓ નોંધાયા છે અને તેની સામે 7309 દર્દીઓ કોરોનામાં સાજા થઇ ગયા છે. આમ શહેર-જિલ્લામાં કુલ 12 એક્ટિવ દર્દી છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,513 દર્દી નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 21,202 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.55% થઇ ગયો છે. આમ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોનાનો કહેર નબળો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...