શુભ સોમવાર:આજથી 1.40 લાખ કિશોરોને કોરોના રસીકરણ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 15 થી 18 વર્ષના કિશોર-કિશોરીઓને કોરોના રસીકરણ માટે 1,00,421નો લક્ષ્યાંક રખાયો
  • ​​​​​​​શહેરમાં​​​​​​​ 157 શાળા-કોલેજોમાં 9 જાન્યુઆરી સુધી કોવેક્સિન રસી આપવામાં આવશે : ઘરે ફરીને પણ વેક્સિનેશન કરાશે

આખરે 15થી 18 વર્ષની વયના કિશોર-કિશોરીઓ માટે કોરોના રસીકરણનો શુભ દિવસ આવી ગયો છે અને આવતી કાલ તા.3 જાન્યુઆરીને સોમવારથી ભાવનગર શહેરમાં 39,000 અને જિલ્લામાં 1,00,421 કિશોર-કિશોરીઓને કોરોના સામે સાવચેતીના ભાગરૂપે કોવેક્સિન રસી મુકવાનો આરંભ થશે અને આ અભિયાન તા.9 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. શાળા-કોલેજો, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે. સોમવારે મેયર અને આરોગ્ય વિભાગની ટીમ સવારે 10કલાકે ક્રાઈસ્ટ સ્કુલ, ચિત્રા ખાતે રસીકરણ વેળાએ હાજર રહેશે.

ભાવનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 15થી 18 વર્ષના એટલે કે તા.31-12-2007 પહેલા જન્મેલા કિશોર અને કિશોરીઓનું રસીકરણ કરવા અંગેની માર્ગદર્શિકા આવી ગઇ હોય અને તા.3 જાન્યુઆરીને સોમવારથી રસીકરણનો આરંભ થવાનો હોય મ્યુ. આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શહેરમાં કુલ 157 શાળા-કોલેજોમાં 39 હજાર જેટલા કિશોર-કિશોરીઓને કોરોના સામે સાવચેતના પગલા રૂપે કોવેક્સિન રસી આપવામાં આવશે.

ભાવનગર શહેર વિસ્તારમાં 15થી 18 વર્ષના કુલ 39 હજાર કિશોર-કિશોરીઓનો લક્ષ્યાંક રખાય છે અને તેમાં 30 હજાર કિશોરો માધ્યમિક શાળા-106, આશ્રમ શાળા-1, અનાથ આશ્રમ-2, વિકલાંગ અંધજન બહેરા-મુંગા સ્કૂલ-4, ચિલ્ડ્રન હોમ-1, મદ્રેસા-2, કેન્દ્રીય વિદ્યાલય-1નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોલેજ અને આઇટીઆઇમાં પણ રસીકરણ કરવામાં આવશે તેમ મ્યુ.આરોગ્ય અધિકારી ડો.આર.કે.સિંહાએ જણાવ્યું છે. આ કોરોના રસીકરણની કામગીરી તા.3 જાન્યુઆરીથી તા.9 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.

દરેક વિદ્યાર્થીઓને જે-તે સ્કૂલમાં જ રસી આપવાની રહેશે. આ માટે પાલિકાએ દરેક સ્કૂલોને રસીકરણ માટેની વ્યવસ્થા સંદર્ભે પત્ર મોકલવાનું શરૂ કર્યું છે. 15થી 18 વર્ષનાં બાળકોને કો-વેક્સિન આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં ૩ જાન્યુઆરીથી શહેરની સરકારી અને ખાનગી સ્કૂલો રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જે બાળકો શાળામાં ભણતા ન હોય તેના માટે ઘરે ઘરે ફરીને કોરોનાના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઑનલાઇનની સાથે સ્થળ પર પણ રજિસ્ટ્રેશન થશે
રજિસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજિસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. આમ 15 થી 18 વર્ષના કિશોરો માટે શાળા-કોલેજોમાં જઈને અને જે શાળાએ ન જતા હોય તેના માટે ઘરે ફરીને રસીકરણ આપવામાં આવશે.

10મીથી કોમોરબિડ વયસ્કો માટે રસીકરણ
મોટી વયના અને કોમોરબીડ હોય તેવા દર્દીઓએ કોરોનાથી રક્ષિત રહેવા માટે વધુ એક ડોઝ પણ લેવા માટે જણાવ્યા મુજબ ડોઝ લેવા જોઇએ. આ માટે સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે લોકો હાર્ટની બિમારી,ડાયાબીટીશ,હાઈ બ્લડપ્રેશર,કિડની,કેન્સર રોગથી પીડાતા હોય તે લોકો ડોક્ટરની સલાહ મુજબ બુસ્ટર ડોઝ લેવાનો રહેશે. જો કે બીજા ડોઝ અને રસીકરણના નવા ડોઝ વચ્ચે અંતર રાખવું જરૂરી બની રહેશે. - ડો.આર.કે. સિંહા, મ્યુ.આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...