તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખતરો:ખાનગી મીની લકઝરી બસોમાં કોરોનાના નિયમોનો ઉલાળીયો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરથી વલભીપુર અને બોટાદ બે મુસાફરોને મોકલી સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ સ્ટિંગ ઓપરેશન ત્યારે મળી ચોકાવનારી માહિતી
  • એક સીટ પર એક મુસાફરને બદલે હકડેઠઠ મુસાફરો, માસ્ક, થર્મલગન કે સેનિટાઈઝેશનનો ઉપયોગ નહી, આમાં કોરોનાની સાંકળ કેમ તુટશે?

ભાવનગરમાં કોરોનાનો ડર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. અને લોકોની બેદરકારી વધતી જાય છે. કોરોના કાળમાં મુસાફરી કરવા માટે સરકારે અમુક નિયંત્રણો જાહેર કર્યા છે. તેમ છતાં ખાનગી બસોમાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. પરિણામે કોરોનાની ચેઇન તુટતી નથી. સૌરાષ્ટ્ર સમાચારે અમુક યાત્રીકને ભાવનગર વલભીપુર અને અન્ય એક યાત્રીકને ભાવનગર થી બોટાદ સુધીની મુસાફરી કરાવી પણ આ મુસાફરી દરમિયાન માસ્ક, સેનટાઇઝેશન કે સોશ્યલ ડીસ્ટન્સ અને થર્મલ ગનનું પાલન થતું ન હતું. શહેરના નિર્મળનગરમાંથી ઉપડતી ખાનગી લકઝરી બસમાં આ મુસાફરે મુસાફરી કરી હતી.

તે મુસાફરો સાથેની વાતચીતના આધારે આ ખાનગી બસોમાં નિયમોનું શું પાલન થતું હતું તે જાણવાનો સૌરાષ્ટ્ર સમાચારે પ્રયાસ કર્યો છે. તેઓના જણાવ્યા મુજબ બસમાં મોટાભાગના લોકોના મોઢા પર માસ્ક ન હતા. દાખલ થતી વખતે થર્મલગન, સેનેટાઇઝેશન જેવું કશું કરવામાં આવતું ન હતું એક સીટ એક મુસાફરને બદલે બધી સીટો પર બે-બે મુસાફરો બેઠા હતા. એટલું જ નહીં રસ્તામાંથી પણ પેસેન્જરો લેવાતા હતા. જે મુસાફરો બસમાં ઉભા-ઉભા મુસાફરી કરતા હતા.

કોરોનાથી 3000 દર્દીઓ સાજા થઈ ગયા
જિલ્લામાં કોરોનાનો આરંભ થયો ત્યારથી આજ સુધીમાં કુલ 3,034 દર્દીઓએ કોરોના સામે જંગમાં જીત મેળવી છે. 26 માર્ચથી જિલ્લામાં કોરોનાનો રોગ ચાળો શરૂ થયા બાદ 173માં દિવસે જિલ્લામાં ત્રણ હજારથી વધુ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીમાંથી સાજા થયેલા દર્દીઓનો આંક 3,000ને આંબતા 173 દિવસનો સમય ગાળો થયો. જેમાં અંતિમ 1000 દર્દીઓને સાજા થવામાં સૌથી ઓછો સમય ગાળો એટલે કે માત્ર 19 દિવસ લાગ્યા. જ્યારે પ્રથમ 1000 દર્દીઓને કોરોનામાંથી સાજા થતાં કુલ 130 દિવસનો સમયગાળો લાગ્યો હતો. અંતિમ 1000 દર્દીઓમાં દરરોજ સાજા થવાની દર્દીઓની સરેરાશ 52.63 થઈ ગઈ છે.

સ્કુટર ચાલકને દંડ ને બસોનો વાંક દેખાતો નથી
સ્કુટર કે રીક્ષામાં નીકળેલા પ્રજાજનો એ માસ્ક ન પહેર્યા હોય તો દંડ ફટકારતા તંત્ર વાહકોને જાહેર રોડ પર ભાવનગરથી બોટાદ, વલભીપુર, બરવાળા, ગઢડા, ઢસા, અમરેલી સહિત અનેક સ્થ્ળોએ જતી બસોમાં નીયમ ભંગ થાય છે તે કેમ નહિ દેખાતો હોય?

નિયમોનુ પાલન થાય જ છે, તકેદારી રાખીશુ
અમારા મોટા ભાગના રૂટો પર નિયમોનું પાલન થાય જ છે. કોઇ ફેરામાં રૂટનુ પાલન નહી થયુ હોય તો હવે તકેદારી રાખશું - રાજેન્દ્રસિંહ, બસ સંચાલક

13 હેલ્થ સેન્ટર ઉપરાંત અન્ય 6 જગ્યાએ રેપિડ ટેસ્ટ
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 13 અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરો ઉપરાંત અન્ય છ સ્થળોએ વોલેન્ટીયર રેપિડ ટેસ્ટ કેમ્પનો આવતીકાલ તા. 15 થી પ્રારંભ કરવામાં આવશે. હિમાલયા મોલ, સરદારનગર સર્કલ, મહિલા કોલેજ સર્કલ, શિવાજી સર્કલ, આર.ટી.ઓ. સર્કલ અને નિલમબાગ સર્કલ ખાતે સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 કલાક દરમિયાન રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકોને શરદી, ઉધરસ, ત‍ાવ, માથાનો દુ:ખાવો જેવા લક્ષણો દેખાય તેઓએ જાગૃત દાખવી ટેસ્ટ કરાવવા આરોગ્ય અધિકાર દ્વારા જણાવાયું છે.

STની બસોમાં પણ નિયમોનું પાલન નહી
ખાનગી મિની લકઝરી બસોની જેમ ગ્રામ્ય વિસ્તારમાં જતી STની બસોમાં પણ મોટ્ટા ભાગના નિયમોનું પાલન થતું નથી. એસટી બસ સ્ટેશનમાંથી બસ નિકળે ત્યારે થર્મલ ગન, સેનીટાઈઝેશન અને સોશીયલ ડિસ્ટન્સનું મોટ્ટા ભાગના કર્મચારીઓ પાલન કરાવે છે પણ એક વાર એસટી સ્ટેન્ડની બહાર નીકળેલી બસમાં પછી કોઈ નિયમોનું પાલન થતું નથી. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં જતી એસટી બસોમાં નિયમોનું કડક પાલન જરૂરી છે. કારણ કે ભાવનગર જિલ્લામાં અન્ય મહાનગરોમાંથી ખાસ કરી સુરતમાંથી લાખો લોકો સ્થળાંતર કરીને આવ્યા છે જેને કોરોનાના સ્પેન્ડર માનવામાં આવે છે.

આજે કોરોનાના 33 નવા કેસ 62ને રજા
આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના નવા 25 કેસ મળ્યા હતા જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આજે નવા આઠ કેસ મળતા આજે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાંથી કોરોના પોઝિટિવના 33 કેસ મળ્યા હતા. આથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,522 થઇ છે. આજે ભાવનગર શહેર તથા મહુવા ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. આજે ભાવનગર શહેરી વિસ્તારમા 18 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 25 કેસો નોંધાયા છે. બોટાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના આજે નવા આઠ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...