ભાવનગર શહેર અને જિલ્લામાં ગત તા.17 માર્ચથી કોરોનામાં એક પણ નવો પોઝિટિવ નોંધાયો ન હતો. આજે બરાબર એક માસ બાદ ભાવનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાતા ભાવનગર શહેર પુન: કોરોનામુક્તમાંથી કોરોનાયુક્ત થઇ ગયું છે. શહેરમાં આજે કાળિયાબીડ વિસ્તારમાં 30 વર્ષીય મહિલાનો ટેસ્ટ કરતા તે કોરોના પોઝિટિવ જાહેર થયા હોવાનું મ્યુ. આરોગ્ય અધિકારી ડો.આર.કે.સિંહાએ જણાવ્યું હતુ. આમ, હવે આ કોરોનાના રોગમ સામે પુન: તકેદારી રાખવી જરૂરી થઇ ગઇ છે.
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ દર્દી હવે 20,883 થઇ ગયા છે જ્યારે તેની સામે આજ સુધીમાં 20,691 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ 99.08 ટકા થઇ ગયો છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ 10 તાલુકા હજી પણ કોરોનાથી મુક્ત છે.
કોરોનાની ત્રીજી લહેરમાં ગત માર્ચ માસ ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રીજી લહેરના ખાતમા માટેનો બની રહ્યો હતો અને આખા માર્ચ માસ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને તેમાં પણ 17 માર્ચ બાદ આજ સુધીમાં એકેય નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.
મહિલાની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી
ભાવનગર શહેરમાં આજે એક માસના લાંબા સુખદ વિરામ બાદ આજે એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે અમદાવાદથી પરત ભાવનગર આવ્યા બાદ કોરોના આવ્યાની જાણકારી મળી છે. આ મહિલા મોડી સાંજે અમદાવાદથી ભાવનગર પરત ફર્યા અને કોરોના જેવા લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરાયો જે પોઝિટિવ આવ્યો હતો. જેથી 1 માસના સુખદ વિરામનો અંત આવ્યો હતો.
આ વર્ષે કોરોનાની સ્થિતિ
મહિનો | કુલ કેસ | રોજ કેસ |
જાન્યુ-22 | 6977 કેસ | 225 કેસ |
ફેબ્રુ-22 | 612 કેસ | 21.86 કેસ |
માર્ચ-22 | 11 કેસ | 0.35 કેસ |
1થી 17 એપ્રિલ | 1 કેસ | 0.06 કેસ |
રાજ્યમાં થોડા દિવસથી કેસ મળવા લાગ્યા
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસ નોંધાયા છે. જો કે અગાઉ રોજના 30થી 35 કેસ નોંધાતા થયા હતા જો કે તેમાં હવે ઘટાડો થયો છે. એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા થયો છે.કોરોનાની ત્રીજી લહેર શમી ગઇ છે ત્યારે 10મી તારીખે વડોદરામાં મુંબઇથી આવેલા 67 વર્ષીય વૃદ્ધના ટેસ્ટમાં ઓમિક્રોનના નવા વેરિયયન્ટ XE હોવાનો રિપોર્ટ આવ્યો હતો આ વેરિયન્ટનો રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.