તંત્રને રાહત:કોરોનાના સંપર્કવાળા હવે સમરસ સિવાય થઇ શકશે હોમ ક્વોરન્ટાઈન

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દી ઘરે બેઠા પેઈડ સારવાર મેળવી શકે છે જ્યારે પરિવારને પણ ઘરે ક્વોરન્ટાઇન કરવા તંત્ર દ્વારા મંજુરી
  • આઈસોલેશન-સમરસ ઉભરાવા લાગતા ઘર સુવિધાથી તંત્રને રાહત

ભાવનગરમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે. કોરોના બેકાબૂ થતા આઇસોલેશન વોર્ડમાં અને વહીવટી તંત્ર દ્વારા ઉભા કરેલ કોરોન્ટાઇન ફેસીલીટીમાં પણ દર્દીઓ અને તેના સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા હોમ આઈસોલેશનની સાથે દર્દી સાથે સીધા સંપર્કમાં આવેલા પરિવારજનોને પણ સમરસ હોસ્ટેલને બદલે જો સગવડતા હોય તો હવે તંત્રની મંજૂરી બાદ ઘરે જ કોરોન્ટાઈન પણ થઈ શકશે.

ત્રણ ખાનગી હોસ્પિટલો દ્વારા હોમ આઈસોલેશનની પણ પેઈડ સુવિધા હાલમાં મળી રહી છે

 ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો સકંજો વધુ ને વધુ ફેલાતો જાય છે. અનલોક બાદ સંક્રમણનું પ્રમાણ પણ વધી ગયું છે. લોકોની બિનજરૂરી અવરજવર પણ બેકાબુ થઇ ગઈ છે. આવી પરિસ્થિતિમાં વધી રહેલા કોરોના પોઝિટિવના કેસોને કારણે વહીવટી તંત્ર પણ દર્દી અને તેના સંપર્કમાં આવેલા લોકોની વ્યવસ્થા માટે મુશ્કેલીમાં મુકાયેલું છે. જેને કારણે વહીવટી તંત્ર દ્વારા ધ એપેડેમીક ડીઝીસ એક્ટ 1897 હેઠળ કોરોના સારવાર માટે નિયત કરેલ પેઈડ ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલોની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં 11 હોસ્પિટલમાં 72 બેડની સુવિધા પર્યાપ્ત છે. સાથોસાથ ત્રણ ખાનગી હોસ્પિટલો દ્વારા હોમ આઈસોલેશનની પણ પેઈડ સુવિધા હાલમાં મળી રહી છે.પરંતુ દર્દીના પરિવારજનો અને તેના સીધા સંપર્કમાં આવેલા લોકોને વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી ક્વોરન્ટાઇન ફેસીલીટી સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવે છે. તેમાં પણ લોકોની સરળતા ખાતર તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકો હવે હોમ ક્વોરન્ટાઈન પણ થઈ શકશે. જોકે તેમાં રહેણાકમાં અલાયદા રૂમ, એટેચ સંડાશ બાથરૂમ સહિતની સુવિધા હોવી આવશ્યક છે.

75 થી વધુ સમરસમાંથી ઘરે

કોરોના પોઝિટિવના સીધા સંપર્કમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે. પરંતુ જો રહેણાકમાં અલાયદી સુવિધાઓ હોય તો તેઓને ઘરે પણ ક્વોરન્ટાઈન માટેની આજથી મંજૂરી શરૂ થઈ ગઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ 20થી વધુ અરજીઓને મંજૂરી મળતા 75 થી વધુ લોકો સમરસમાંથી પોતાના ઘરે ક્વોરન્ટાઈન થઈ ગયા છે.

કોનો કેટલો ચાર્જ ?

ખાનગી લેબ ટેસ્ટ રૂ.2500 À હોમ આઈસોલેશન રૂ.500 થી 3000 પ્રતિ દિન À પેઈડ ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર પ્રતિ દિન આઈ.સી.યુ.વિના વોર્ડમાં રૂ.5700, એચ.ડી.યુ. રૂ.8075 તેમજ આઈ.સી.યુ. સાથે વોર્ડ રૂ.7980, એચ.ડી.યુ. રૂ.11733, આઈસોલેશન રૂ.16957, વેન્ટિલેટર-આઈસોલેશન-આઈ.સી.યુ. રૂ.20282

સીધી વાત: એમ.એ. ગાંધી, મ્યુ.કમિશનર ભાવનગર

પ્રશ્ન:  કોરોના દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકો ઘરે ક્વોરન્ટાઈન થઇ શકે?
જવાબ : હા, કોરોના પોઝિટિવ કેસના સીધા સંપર્કમાં આવેલા લોકોને જો તેમના ઘરે સગવડ હોય અને મેડિકલ ટીમ દ્વારા ઘરે તપાસ કર્યા બાદ સુવિધા યોગ્ય લાગે તો ઘરે ક્વોરન્ટાઈન થઈ શકે.

પ્રશ્ન : હોમ ક્વોરન્ટાઈન માટે શું જરૂરી છે ?
જવાબ : અલાયદો રૂમ કે જેમાં અલગ-અલગ બેડ માં બે થી ત્રણ વ્યક્તિ રહી શકે સાથે તેમાં સંડાસ-બાથરૂમ સહિતની સુવિધા જરૂરી છે. હોમ કોરોન્ટાઈનમાં કોઈ પરીવારના સભ્યને ગંભીર બિમારી હોવી ના જોઈએ.

પ્રશ્ન : હોમ ક્વોરન્ટાઈનમાં રહેલા વ્યક્તિએ શુ તકેદારી રાખવી ?
જવાબ : હોમ ક્વોરન્ટાઈન રહેલા વ્યક્તિએ કોરોના સંદર્ભની આરોગ્યની ગાઈડલાઈન તેમજ ખાસ તો ક્વોરન્ટાઇન પિરિયડ દરમિયાન બહાર નહિ નીકળવું નહીં તો ફોજદારી પણ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...