ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ આજે બજેટ રજૂ કર્યું હતું. 2022-23 માટેના બજેટમાં ભાવનગર માટે જે યોજનાઓની જાહેરાત અગાઉ કરાયેલી તેની માટે રકમની ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે જ્યારે અલંગ શિપ યાર્ડની ક્ષમતા વધારવા માથાવડ ખાતે નવા 45 પ્લોટના નીર્માણની જાહેરાત આજે બજેટમાં કરવામાં આવી હતી. સાથે ભાવનગર જૂના બંદર અને નવા બંદર વચ્ચે કનેક્ટિવિટી માટે ભાવનગર શહેરના રિંગ રોડ જે 21.60 કિલોમીટર લાંબો હશે તેની માટે આ બજેટમાં રૂા.297 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ભાવનગર ખાતે રૂ.2000 કરોડના ખર્ચે પીપીપી ધોરણે સ્થપાનારા સીએનજી ટર્મિનલની કામગીરીનો આરંભ થશે અને ભાવનગરમાં મૂડીરોકાણ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જ્યારે ઘોઘા ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ સહિત સૌરાષ્ટ્રમાં ચાર સ્થળોએ આ પ્રકારના પ્લાન્ટ સ્થપાવાના છે તે માટે રુ.400 કરોડ એટલે કે એક પ્લાન્ટના રૂ.100 કરોડ લેખે આ બજેટમાં જોવાઇ કરવામાં આવી છે. આ ચારેય પ્લાન્ટ મળીને કુલ 27 કરોડ લીટર(270 એમએલડી) પાણીની ક્ષમતાના છે.
આ ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે પાણી પુરૂ પાડવા માટે ઢાંકીથી નાવડા સુધી 97 કિલોમીટર 500 એમએલડી પાણીની ક્ષમતાની નવી બલ્ક પાઇપલાઇન 1044 કરોડના ખર્ચે યોજના છે અને જેથી 50 કરોડ લીટર પાણી વધુ મળશે. આ માટે 500 કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. પાલિતાણા ખાતે નવી સરકારી કોલેજ સ્થાપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સહિત અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની સરકારી મેડિકલ કોલેજો માટે કુલ રૂ.106 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
પ્લાસ્ટિક કે હીરા માટે જોગવાઇ નથી : કોંગ્રેસ
આજેના રાજ્ય સરકારના બજેટમાં ભાવનગરમાં મુખ્ય ગણાતા પ્લાસ્ટિક કે હીરા ઉદ્યોગના વિકાસ માટે કોઇ જોગવાઇ નથી તેમ કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ જણાવી આ બજેટમાં ભાવનગરના વિકાસની બાદબાકી કરવામાં આવી છે અને જે વાતો કરાઇ છે તે પણ થવાની છે તેમ પ્રત્યાઘાતમાં જણાવ્યું છે.
ઘોઘામાં ડિસેલિનેશન પ્લાન્ટની કામગીરી વેગવાન થશે
નર્મદાના પાણીને સમાંતર વૈકલ્પિક સોર્સ ઉભો કરી પીવાના પાણીની જળ સલામતિ પુરી પાડવા હેતુથી ભાવનગર જિલ્લામાં ઘોઘામાં 70 એમએલડી પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ સ્થપાવાની યોજના સાકાર કરવાના આયોજન મુજબ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા ઘોઘા તાલુકાના ઘોઘા ખાતે દરિયાના ખારા પાણીને મીઠુ કરી શુદ્ધ પીવા લાયક બનાવવા માટે ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવાના આયોજન અનુસંઘાને ઘોઘા 70 એમ.એલ.ડી ક્ષમતાનો ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવા માટે માંગણી કરયા બાદ એકાદ વર્ષ અગાઉ ઘોઘા તાલુકાના કુલ 2,21,417 ચો.મી. જમીન ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવા માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડને નામે તબદીલ કરવાની કામગીરી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પૂર્ણ કરાઇ હતી અને હવે આ યોજના વધુ વેગવાન થશે.
શહેરના વિકાસ માટે આવકારદાયી બજેટ: ભાજપ
ભાવનગર શહેર ભાજપ દ્વારા સરકારના બજટેને સર્વાંગી વિકાસલક્ષી બજેટને ગણીને આવકારાયું છે અને તેમાં ભાવનગરના રિંગરોડ માટે સવાબસો કરોડની જોગવાઈ તેમજ જિલ્લાના પાલિતાણા ખાતે સરકારી કોલેજની જોગવાઈ કરવામાં આવેલ સાથે ખેડૂતો, ગરીબો મધ્યમ વર્ગ અને વ્યાપારી વર્ગ માટે સર્વાંગી આવકારદાયક ગણાવ્યું છે. આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.