વલભીપુર નગરપાલીકાના પાંચ સમિતિઓના ચેરમેનો દ્વારા એકાએક સેવા મુકિત(રાજીનામા) ના પત્રથી ફરી એકવાર વલભીપુરનું રાજકારણ ડામાડોળ થઇ જવા તરફ જઇ રહ્યું છે અને સવા વર્ષનું સ્થિર શાસન અસ્થિરતા તરફ ધકેલાયું છે.વલભીપુર નગરપાલીકાની ગત માર્ચ-2021નાં સામાન્ય ચુંટણી પૂર્ણ થયા બાદ પ્રમુખ માટે સામાન્ય મહિલા ઉમેદવાર હોવા છતાં પ્રમુખ પદે બક્ષીપંચના અને વોર્ડ નં.5 માંથી ચુંટાયેલ હેતલબેન કિશોરભાઇ પરમારની વરણી કરવામાં આવી હતી. અને ઉપ પ્રમુખ પદે હાર્દિકભાઇ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. હાલની બોડીની મુદ્દત અઢી વર્ષે પૂર્ણ થાય છે વર્તમાન બોડીને હજુ સવા વર્ષ શાસન કરવાનું બાકી છે.
ત્યાં એકાએક ગત તા.16-5-22 નાં દિવસે એક સાથે પાંચ સમિતિઓના ચેરમેનો દ્વારા રાજીનામા નહીં પરંતુ ફરજ મુકિત માટે નરોવા કુંજરોવા જેવા શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીને શહરે પ્રમુખને આ પત્રો મોકલી આપવા સાથે શહેરનું રાજકારણ ગરમાવો પકડી લીધેલ છે.ભા.જ.પ.ના નગરસેવકે પોતાનું નામ જાહેર ન થાય તે શરત સાથે આ રાજીનામના ષડયંત્ર બાબતે જણાવ્યુ હતું કે આ સ્થિર શાસન અસ્થિર કરવા પાછળ વોર્ડ નં.4 ના સભ્યોનો દોરી સંચાર છે અને હાલના મહિલા પ્રમુખને હટાવી અન્ય મહિલાને બાકીના સવા વર્ષ પ્રમુખ પદની તાજપોશી થાય તેવા ભરપુર પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
હાલ તો ઉકળતો ચરૂ શાંત પાડયો પણ ધુવાડા તો નિકળે જ છે
નજીકમાં આવી રહેલ વિધાનસભાની ચુંટણીને લઇ ભા.જ.પ.દ્વારા કોઇ ખોટો મેસેજ સાથે પક્ષની છબી ન ખરડાઇ માટે જિલ્લા ભા.જ.પ.પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા તાબડતોબ વલભીપુર ખાતે દોડી આવીને નગરપાલીકા કચેરી ખાતે તમામ 21 નગર સેવકો સાથે બેઠક કરીને ઉકળતો ચરૂ શાંત પાડેલ છે. આ ડેમેજ કંન્ટ્રોલ મીટીંગમાં શહેર પ્રમુખ નિતીનભાઇ ગુજરાતી પણ હાજર રહેલા હવે જોવાનું એ છે કે ઘણા ખરા નગર સેવકો આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો સાથે નજીકનો ધરાબો ધરાવે છે ત્યારે હવે પછીના શું નિર્ણયો હશે તે ટુંક સમયમાં ખબર પડી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.