ભાસ્કર એક્સપોઝ:ભાજપ સંગઠનની મનમાનીથી ‘મની’ માની, કોર્પોરેશને સવા બે કરોડની જમીન માત્ર 55 લાખમાં લગત તરીકે આપવા ઠરાવ કરશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સંગઠનના ભ્રષ્ટાચાર સામે કોર્પોરેટરોએ ઉઠાવ્યો અવાજ : રૂવાપરી રોડની જમીન મામલે વિવાદ
  • લીઝ પટ્ટા અને હેતુફેરમાં ઉઘરાણાએ માજા મુકતા ભાજપના કેટલાક કોર્પોરેટરોની સરકાર અને સંગઠનમાં ફરિયાદ કરવા ચેતવણી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂા.સવા બે કરોડની જમીન માત્ર રૂા.55 લાખમાં લગત જમીન તરીકે આપવા માટે થઈ રહેલી કાર્યવાહી સામે ભાજપના કોર્પોરેટરોમાં જ પ્રબળ રોષ વ્યાપેલ છે. આ મામલે લાંચના રૂા.50 લાખ ખર્ચાયા હોવાની પણ ચર્ચા છે. ભાજપ સંગઠન સામે ખુદ ભાજપના કોર્પોરેટરો જ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી રહ્યા છે અને સમગ્ર મામલો સરકાર અને સંગઠન સમક્ષ લઈ જવાની પણ ચેતવણી અપાયેલી છે. છેલ્લા કેટલાક સમયથી લીઝપટ્ટા અને હેતુફેર મામલે બેફામ ઉઘરાણુ કરી સંગઠન શાસક ભાજપને ઠરાવ કરવા ફરજ પાડતો હોવાની ભાજપના કોર્પોરેટરોએ ફરિયાદ કરી છે.

ભાજપનું સંગઠન દલા તરવાડી જેવા મનમાની નહીં મની માનીના નિર્ણયો કરી કોર્પોરેશનને કરોડોનું નુકશાન પહોંચાડી રહ્યા છે. સસ્તા દામે જમીન વેચી પાર્ટી ફંડમાં નજીવી રકમ જમા કરાવી સહિયારા કમાવાનો ધંધો ખોલ્યો હોવાનો પણ ખુદ ભાજપના જ કાર્યકરોમાં ચર્ચા જાગી છે. શહેરના જોગીવાડની ટાંકી થી સંચિત નિવાસ તરફ રૂવાપરી રોડ પર વોર્ડ નં.5 સી.સી.નં.2300 પૈકીની 274.64 ચો.મી.જમીન લગત જમીન તરીકે રૂ.20,100 પ્રતિ ચો.મી.ના દરથી અઘાટ આપવા સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે અને આગામી સભામાં નિર્ણય થશે.

ટીપીની લગડી જેવી જમીન કોડીના દામે માંડી વાળ્યું હતું
શહેરના રિંગરોડ ઝોનલ કચેરી પાસે, ફાતિમા કોન્વેન્ટ સ્કુલ સામે ઘોઘારોડ અને એરપોર્ટ રોડ પર જુદા જુદા ત્રણ ટીપીના પ્લોટ જે વર્તમાન બજાર ભાવે ઉંચી કિંમતના છે તે કોડીના ભાવે વેચવા બજાર માંડી હતી પરંતુ ખુદ ભાજપના જ સભ્યોની ઉગ્ર નારાજગીને કારણે અંત સમયે સાધારણ સભામાં વેચાણ કરવાનું માંડી વાળી રિટેન્ડર કરવાનો નિર્ણય કરાયો હતો.

ગણતરીના દિવસોમાં હેતુફેરનો હેતુ ફરી ગયો
શહેરના ઘોઘારોડ મોખડાજી સર્કલ પાસે 1930.42 ચો.મી. જગ્યા રહેણાંકી હતી અને તેનો હેતુફેર કરી કોમર્શિયલ કરવાની માગણી કરી હતી. પરંતુ ગત સપ્ટેમાબરમાં મળેલી સ્ટેન્ડીંગમાં મુળ ફાળવણીનો હેતુ, 50 ટકા કરતા વધારે ઉપયોગફેર સહિતની વિસંગતતાઓને કારણે સ્ટેન્ડિંગે કાર્ય નામંજૂર કરી પરત કર્યું હતું. પરંતુ ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ સ્ટેન્ડિંગે તમામ વિસંગતતાઓ દૂર કરી મંજૂરી પણ આપી દીધી. આ વિવાદાસ્પદ નિર્ણય બાબતે રોકડી થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું.

ફુલસરમાં પેટ્રોલ પંપ માટે જમીનનો હતો વિવાદ
ફુલસર ટીપી સ્કીમમાં પેટ્રોલ પંપ માટે જમીન ફાળવવા પેટ્રોલ પંપની કંપની પાસેથી 25% રકમ વસુલ કરી સ્ટેન્ડીંગે ઓકટોબર 2020માં મંજૂરી આપી હતી. પરંતુ તેમાં પણ બજારભાવ કરતા અનેક ગણી ઓછી કિંમતે જમીન ફાળવતા હોવાનો વિવાદ ઉભો થતાં અંતે કાર્ય પરત કર્યુ હતું.

લગત જમીનના નામે દબાણ કરેલો આખો પ્લોટ અપાશે
કોઈ માલિકીની જમીનને અડીને આવતી બીનજરૂરી અને લોકો તેનો ઉપયોગ કરતા ના હોય તેવી ખાંચા ગલી જેટલી જગ્યા બજાર ભાવે લગત જમીનનુ વેચાણ કરતાં હોય છે. પરંતુ હવે તો આખે આખા પ્લોટને લગત જમીનમાં ખપાવી સસ્તા દરે વેચાણ કરવા લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લગત જમીનની માગણી કરેલી જમીનમાં હાલમાં દબાણ છે જ. અને લગત જમીન કરતા 3ગણી જમીન વપરાશ કરે છે.

અન્ય સમાચારો પણ છે...