રજૂઆત:ચૂંટણી ફરજના શિક્ષકો-કર્મચારીઓને મતદાનના બીજા દિવસે ઓન ડ્યુટી ગણો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી ફરજ તાલીમની વળતર રજા તથા રૂપાંતરીત રજા આપવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજૂઆત
  • મોડી રાત્રે મુક્ત થતા હોય બીજા દિવસે શાળામાં પહોંચી શકતા નથી

વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ફરજ પરના શિક્ષકો તથા કર્મચારીઓને ચૂંટણી ફરજ એટલે કે મતદાન અથવા તો પુનઃ મતદાનના બીજા દિવસે ઓન ડ્યુટી ગણવા, ચૂંટણી દરમિયાન રવિવાર જાહેર રજા તથા વેકેશનના દિવસોની ચૂંટણી ફરજ તાલીમની વળતર રજા તથા રૂપાંતરિત રજા આપવા અને દરેક ચૂંટણી વખતે આ નિયમિત પ્રક્રિયા હોય આ પ્રથાને કાયમી કરતો પરિપત્ર જાહેર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે આગામી તારીખ પહેલી ડિસેમ્બર તથા પાંચમી ડિસેમ્બર બે તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. બંને તબક્કાના ચૂંટણીના દિવસ પછીનો દિવસ કામકાજનો ચાલુ દિવસ છે. મતદાનની કામગીરી પૂર્ણ થયા બાદ મોડી રાત્રે છૂટા થઈ શિક્ષક અથવા તો કર્મચારી વહેલી સવારે પોતાના ઘરે પરત ફરતા હોય છે. આથી તેઓ ચૂંટણીના બીજા દિવસે શાળા કે કચેરીમાં પહોંચી શકતા નથી. આ બાબતને ધ્યાને લઈને પ્રથમ તબક્કામાં બીજી ડિસેમ્બર અને શુક્રવાર તથા બીજા તબક્કામાં છઠ્ઠી ડિસેમ્બરને મંગળવારના રોજ ચૂંટણી ફરજ પર રોકાયેલા શિક્ષક તથા કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવા પરિપત્ર કરવા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત ચૂંટણીને અનુલક્ષીને રાખવામાં આવેલી તાલીમ કે અન્ય કામગીરી દરમિયાન જાહેર રજા રવિવાર તથા વેકેશનના સમયગાળા દરમિયાન હોય તો તેને અનુરૂપ વળતર તથા રૂપાંતરિત રજા આપવા યોગ્ય પરિપત્ર કરવા સૂચના આપવા અનુરોધ કરાયો છે. દર વખતે ચૂંટણીમાં આ રીતે રજૂઆત કરવી પડે છે આથી આ પ્રકારની તમામ પ્રક્રિયાને કાયમી સૂચના આપતો પરિપત્ર કરવા પણ અનુરોધ કરાયો છે. શિક્ષકો ખાસ તો બીજા દિવસે શાળાએ જઈ શકે નહીં તે માટે ઓનલાઈન ડયુટી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...