વિરોધ:પેપર લીક મામલે ભાવનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ અને NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કલેક્ટર કચેરી ખાતે કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી આસીત વોરાના રાજીનામાની માંગ કરી

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર તાજેતરમાં લીક થયું હતું. જે ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાડી છે. ત્યારે આજે શનીવારે ભાવનગર શહેરની કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લા/શહેર યુવક કોંગ્રેસના કાર્યકરો તેમજ NSUI દ્વારા પેપરલીક પ્રકરણે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. જોકે, આ કાર્યક્રમ યોજાય એ પૂર્વે પોલીસે વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

રાજ્યમાં હેડ કલાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ પેપર લીક થયાની વાત જાહેર થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને ઉમેદવારો સાથે લોકો માં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ શહેરો સાથે તાલુકા મથકે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. જે અન્વયે ભાવનગર શહેરમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ યુવા કોંગ્રેસ તથા NSUI ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો.

કોંગી કાર્યકરોએ રોષ સાથે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નો-રીપીટ થીયરી અન્વયે રાજ્યના મુખ્યમંત્રીનું નામ છેક સુધી ગુપ્ત રાખી શકે છે તો એક પેપર કેમ સાંચવી શકતા નથી ?વર્ષ 2014 થી અત્યાર સુધીમાં યોજાયેલી તલાટી હેડ કલાર્ક ગૌણસેવા સહિતની કસોટીઓમાં 8 પેપર્સ ફૂટ્યાં છે એટલે કે પાંચ વર્ષમાં આઠ પેપરો લીક થયાની ઘટનાઓ ઘટી છે. આથી આમાં કયાંક ને કયાંક સરકારના મંત્રીઓ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તાજેતરમાં લીક થયેલા પેપરમાં આસીત વોરાની સંડોવણી હોવાની શક્યતા છે. આથી આસીત વોરાનું રાજીનામું લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સરકાર દ્વારા ઉમેદવારો સાથે કરાતી આવી ક્રુર મશ્કરી બંધ કરવામાં આવે.

વધુમાં જણાવ્યું કે, પરીક્ષાર્થીઓ-ઉમેદવારોની પોકેટમની સિમિત હોય છે આથી જેતે શહેરના ઉમેદવારોને દૂરના શહેરોમાં પરીક્ષા સેન્ટર ફાળવવાની પ્રથા બંધ કરી ઘર આંગણે પેપર આપી શકે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કલેક્ટરને આવેદનપત્ર પણ અમે આપ્યું હતું. જોકે, કોંગી કાર્યકરો તથા NSUIના સભ્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર કરે એ પૂર્વે એ-ડીવીઝન પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

આ વિરોધ પ્રદર્શન વેળાએ પ્રેદેશ મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, પ્રમુખ ભાવનગર શહેર યુવક કોંગ્રેસ સંદિપસિંહ ગોહિલ, પ્રમુખ ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ બલદેવભાઈ સોલંકી, શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય કલ્પેશ મણિયાર, અલી લાખાણી સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...