CM અને કીર્તિદાનના સન્માન કાર્યક્રમમાં કોંગ્રેસના MLA:મંચ ઉપર મુખ્યમંત્રીથી બે ખુરશી છોડીને જ બેઠા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર; તર્ક-વિતર્ક થતાં MLAએ ખુલાસો કર્યો

ભાવનગરએક મહિનો પહેલા

ભાવનગરમાં મંગળવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લોકગાયક કીર્તિદાન ગઢવીનો સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જાહેર સન્માન કરાયું હતું. તો 'ધન્ય છે કીર્તિદાનને.' કાર્યક્રમ સાથે કીર્તિદાન ગઢવીનું 'ગુજરાત ગરિમા અવૉર્ડ'થી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ઉપસ્થિત રહેતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તો મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે અમારી ડબલ એન્જિનની સરકાર છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર હાજર રહ્યા
ભાવનગરમાં કીર્તિદાન ગઢવી અને મુખ્યમંત્રીનો સન્માન સમારોહમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર હાજર રહેતાં અવનવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અગાઉ અમરીશ ડેર ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલતી હતી, જ્યારે આજે ફરી અમરીશ ડેર હાજર રહેતાં ફરી તર્કવિતર્ક સર્જાયા છે, જોકે તેમને પૂછતાં જણાવ્યું હતું કે કીર્તિદાન ગઢવી મારો ભાઈબંધ છે, એટલે એના સન્માન સમારોહમાં આવ્યો છું.

કલાકારો પણ વિકાસ માટે સંકલ્પ કરે છે
શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કીર્તિદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજિત આ કાર્યક્રમ ભાવનગરના ચિત્રા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક સંતો- મહંતોની ઉપસ્થિતિમાં આ સન્માન અને અભિવાદન સ્વીકારતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ સાથે સંસ્કાર અને સંસ્કૃતિની વિરાસત જાળવીને વિકાસ કરવા માગે છે. વિકાસના પણ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિકાસપથ કંડાર્યો છે એને ડબલ ગતિથી આગળ લઈ જવો છે. વડાપ્રધાન જે કામ કરતા હતા એને આગળ વધારતાં રાજ્યના કલાકારો પણ હવે જે સંકલ્પ કરે છે એ વિશાળ કરે એવી કાર્ય સંસ્કૃતિ વિકસિત થઈ છે.

અમારી ડબલ એન્જિનની સરકાર: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ દીકરીઓ માટે વડાપ્રધાન જે રીતે સંવેદનશીલ હતા એ રીતે તેમના શિક્ષણ અને ઉન્નતિ માટે રૂ. 100 કરોડ એકઠા કરવાનો જે સંકલ્પ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે. અમારી ડબલ એન્જિનની સરકાર છે. સંસ્કાર અને સંકૃતિના સંવર્ધન સાથે સૌના સાથ, સૌના સહકારથી આગળ વધશે.

રિંગરોડ માટે રૂ.297 કરોડ રૂપિયાની ફાળવણી
શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવા ભાવનગરના નિર્માણ માટે ભાવનગર ફરતે રિંગરોડ માટે રૂ.297 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ત્યારે ભાવનગર નાગરિક સમિતિના વડપણ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાહેર સન્માન-અભિવાદન ભાવેણાના નાગરિક તરીકે કરીને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ભાવનગરનું ભવિષ્ય રિંગરોડ સાથે જોડાયેલું છે. રિંગરોડના નિર્માણ સાથે એક નવા ભાવનગરનો ઉદય થવાનો છે. આ સંકલ્પ સાથે બીજા અનેકવિધ પ્રકલ્પો પૂરા કરવામાં તથા નવા પ્રકલ્પો માટેની મંજૂરી આપીને મુખ્યમંત્રીએ ભાવનગર માટે અનેક સુવિધાઓ ઊભી કરી છે, એનો ઋણ સ્વીકાર કરીએ છીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. રિંગરોડ કોઈ ને કોઈ કારણે અટકી રહ્યો હતો, પરંતુ એનું ટેન્ડર ગત ચોથી તારીખે ઓનલાઈન થઈ ગયું છે. મુખ્યમંત્રીએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે પ્રયત્નો કર્યા છે એ માટે આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

કીર્તિદાને દીકરીઓ માટે 100 કરોડ એકત્ર કરવાનો સંકલ્પ લીધો
શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીએ કીર્તિદાન ગઢવી વિશે જણાવ્યું હતું કે તેમણે દીકરીઓના સન્માન માટે, તેમના અભ્યાસ અને અન્ય રીતે ઉપયોગી બની શકાય એ માટે રૂા.100 કરોડની સખાવત એકત્ર કરવાનો સંકલ્પ લીધેલો છે. આ સંકલ્પ બહુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે આ કાર્ય માટે અમેરિકામાં એક જ ટ્રિપમાં અનેક કાર્યક્રમો કરીને રૂા.10 કરોડ જેવી માતદાર રકમ અત્યારસુધીમાં એકત્ર કરી દીધી છે અને હજુ પણ તેઓ તેમનું અભિયાન આગળ ચલાવી રહ્યા છે, એ માટે તેમનું પણ જાહેર સન્માન કરવું જરૂરી છે, કારણ કે તેમના કાર્યથી અનેક લોકોને પ્રેરણા મળવાની છે.

આ મહાનુભવો ઉપસ્થિત રહ્યા
આ અવસરે પ્રભારી અને વન અને પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી પ્રદીપભાઈ પરમાર, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, કેશુભાઈ નાકરાણી, મેયર કીર્તિબાળા દાણીધારિયા, ડે.મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરપભાઈ ધામેલુયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, ભાવનગરના ગણમાન્ય નાગરિકો અને ભાવનગરની જનતા મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...