રજૂઆત:સર.ટી.હોસ્પિટલમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા ગાર્ડ્સને નોકરી પર પરત લેવા કૉંગ્રેસની માગ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૉંગ્રેસ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરવામા આવી

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સર.ટી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ ખૂબ જ સારી સેવા આપતા અને હાલ વય મર્યાદાના કારણે છુટા કરી દેવામાં આવેલ સિક્યુરિટી ગાર્ડને ફરી પાછા ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી આવેદન આપ્યું હતું.

આવેદન આપવા સમયે હોસ્પિટલના પરિસરમાં રજુઆત કરવા પહોંચેલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે તું મેં મેં થઈ હતી અંતે તમામ કાર્યકરો સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારી માં પણ આ સિક્યુરિટી સ્ટાફે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને મૃતકોને ખંભે ઉપાડી સ્મશાન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમ છતાં પણ છૂટા કરી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ બ્રહ્મભટ્ટને કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે 50 વર્ષની વયમર્યાદા ના નિયમ તો પહેલા પણ હતા એ સમયે તો એજન્સી દ્વારા તમામ સિક્યુરિટી ગાર્ડસને રાખવામાં આવતા હતા. તો એ સમયે તો કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા, તો પછી અત્યારે શા માટે રાખવામાં આવતા નથી? હાલ કોરોના મહામારીમાં લોકો પાસે ધંધો રોજગાર રહ્યો નથી ત્યારે આવા કપરા સમયમાં માનવતાની દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાંથી છુટા કરાયેલ 16 સિક્યુરિટી ગાર્ડને નોકરી આપવામાં આવે તેવું કડક રજૂઆત કરવામાં આવી હતી.

જે દરમિયાન હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં છુટા કરવામાં આવેલી ગાર્ડને શહેરની અન્ય જગ્યાએ નોકરી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ રજૂઆત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, મહિલા કોંગ્રેસના આગેવાનો, તેમજ વિવિધ સેલના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...