ક્રિકેટ રમવા મુદ્દે મારામારી:ભાવનગરમાં ઘર પાસે ક્રિકેટ મેચ રમવાની ના પાડતા બે પાડોશીઓ વચ્ચે લાકડી તેમજ ધોકો વડે મારામારી, સામ-સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના રામમંત્ર મંદિર સામે આવેલા આઝાદનગરમાં ઘર પાસે ક્રિકેટ મેચ રમવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેને લઈ બંને પરિવારોએ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
આ સમગ્ર બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આઝાદનગરમા રહેતા રાધાબેન ભગવાનભાઈ બુધેલીયાએ તેના પાડોશી બીજલ જેસા બાબરીયા તથા તેના પુત્રો વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેના પુત્રો ઘર પાસે ક્રિકેટ રમતાં હોય આથી ના પાડતાં બીજલ તથા તેના પુત્રોએ ઉશ્કેરાઈ જઈ તેના પતિ ભગવાનભાઈને બિભત્સ ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
સામા પક્ષે સંદિપ વિપુલ બાબરીયાએ ભગવાન ધના ગોપાલ રાધા મેહુલ સહિતનાઓ સામે એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ઘર પાસે મેચ રમતાં હોય જે ભગવાન બુધેલીયાને પસંદ ન હોય આથી મેચ રમવાની ના પાડી પોતે નિવૃત્ત પોલીસ કર્મી હોવાની દમદાટી આપી ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેમણે પણ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.