કામગીરી:ઢોરને છુટા મુકવાના બનાવમાં કોર્પોરેશન દ્વારા પોલીસમાં ફરિયાદ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના આગેવાનોને અજાણ્યા શખ્સોના ટોળા દર્શાવી ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા પોલીસમાં લેખિતમાં આપ્યું

ભાવનગર શહેરમાં રસ્તા પર રખડતા ઢોરને કડી કોર્પોરેશન દ્વારા શહેરના એરપોર્ટ રોડ પર બનાવેલા ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેઓને આમ આદમી પાર્ટી દ્વારા અસુવિધાને કારણે પશુઓ મૃત્યુ પામતા હોવાના પ્રશ્ને ઢોર ડબ્બો ખુલ્લો મૂકી પશુઓને છૂટા મૂકી દેવાતા અંતે કોર્પોરેશનના વેટરનરી ઓફિસર દ્વારા લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, ઢોર ડબ્બો ખુલ્લો મુકનાર શખ્સોને અજાણ્યા દર્શાવ્યા છે. ભાવનગર શહેરના રસ્તે રખડતા ઢોર ભાવનગરની પ્રજાની વિકટ સમસ્યા વર્ષોથી છે. જેનો સંપુર્ણ પણે ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નિષ્ફળતા જ મળી છે.

રસ્તે રખડતા રેઢિયાળ ઢોરને કોર્પોરેશન દ્વારા પકડી એરપોર્ટ રોડ અને અખિલેશ સર્કલ પાસે બનાવેલા ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. પરંતુ ચોમાસાને કારણે ઢોર ડબ્બામાં કાદવ-કીચડ અને ગોબર થતા અખિલેશ સર્કલ પાસેના ઢોર ડબ્બામાં ત્રણ દિવસ પૂર્વે અમુક પશુઓના મૃત્યુ નિપજયા હતા. પશુઓના મૃત્યુ નીપજવાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા ઢોરને ખુલ્લા મુકવાની આપેલી ચીમકી બાદ રાત્રિના સમયે એરપોર્ટ રોડ પરના ઢોર ડબ્બાને ચોકીદાર પાસેથી ચાવી લઇ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો જેને કારણે ડબ્બામાં પુરાયેલા ઢોર રસ્તા પર આવી ગયા હતા.

ઢોર ડબ્બાને ખુલ્લો કરી ઢોરને રસ્તા પર છુટા મુકી દેવાતા માનવ જિંદગીને પણ ભયમાં મૂકી દીધી છે. ગંભીર બનાવને બે દિવસ થવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે આજે સાંજે કોર્પોરેશનના વેટરનરી ઓફિસર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી એરપોર્ટ રોડ પરના ઢોર ડબ્બામાં 780 પશુ હતા. ગત તારીખ 12 મી જુલાઈના રોજ રાત્રિના 8 30 થી 9 દરમિયાન અજાણ્યા શખ્સોના ટોળા દ્વારા ઢોર ડબ્બાનો દરવાજો ખોલી પશુઓને બહાર કાઢી મૂકેલ હોવાથી તેની પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા લેખિતમાં આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...