અવિચારી નીતિ:ખાનગી સ્કૂલની તુલનામાં સરકારીમાં વિદ્યાર્થી દીઠ ત્રણ ગણો ખર્ચ છતાં પરિણામમાં પાછળ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લાના ગણિતમાં સૌથી નબળા પૂરવાર થયા
  • ખાનગી શાળા માટે ફી કમિટીની મર્યાદા રૂ.15000 પણ સરકારી શાળામાં વિદ્યાર્થી દીઠ રૂા.42,700નો ખર્ચ છતાં નેશનલ એજ્યુકેશન સર્વેમાં સરકારી શાળાઓનો સ્કોર ઘટ્યો

તાજેતરમાં નેશનલ એચિવમેન્ટ સર્વેના પરિણામ જાહેર કરવામાં આવ્યાં જેમાં પ્રાથમિક કક્ષાએ ભાવનગર સહિત ગુજરાતમાં શિક્ષણના પરિણામમાં સ્કોર ઘટ્યો છે. પ્રાથમિક શાળાઓમાં એક વિદ્યાર્થી માટે સરકાર એવરેજ રૂા.42,700નો ખર્ચ વર્ષે કરે છે એન ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ફી લેવાની મહત્તમ મર્યાદા રૂા.15 હજાર છે. ત્યારે સવાલ જાગે કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ ખાનગી શાળા કરતા ત્રણ ગણો ખર્ચો કરે તેમ છતાં પરિણામમાં પાછળ જાય છે. જો કે ખાનગી પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ નામે ફી ઉઘરાવાતી હોય છે.

ભાવનગરમાં મહાનગરપાલિકાની શાળાઓમાં એક બાળક દીઠ રૂ.42,700નો સરેરાશ ખર્ચ વર્ષે થાય છે. જો કે ખાનગી શાળાઓ પણ અલગ અલગ બહાને વધારાની ફી ઉઘરાવતી હોય છે તેને અવગણી શકાય નહી. તાજેતરમાં નેશનલ એચિવમેન્ટ સર્વેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ભાવનગર ધોરણ 3,5, 8 અને 10નું પરિણામ અગાઉના વર્ષ 2021ના પરિણામથી નીચું ગયું છે એટલે કે શૈક્ષણિક ગુણવત્તા ઘટી છે તેમ કહી શકાય. પરિણામનું કારણ કાઢીએ તો ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ભાષામાં શ્રેષ્ઠ અને ગણિતમાં સૌથી નબળા પુરવાર થયા છે.

નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ભાવનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ ધોરણ 3માં 60 ટકા હતુ જે 2017ના વર્ષમાં ધોરણ 3માં 70 ટકા હતુ. ખાસ તો ભાવનગરનું પરિણામ ગણિતમાં રાજ્ય અને રાષ્ટ્રની તુલનામાં નબળું રહ્યું હતુ.નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ધોરણ-3નું ભાવનગર જિલ્લાનું પરિણામ 60 ટકા રહ્યું છે. જ્યારે રાજ્યનું પરિણામ 62 ટકા રહ્યું છે. ધોરણ 5નું પરિણામ 50 ટકા રહે છે જ્યારે રાજ્યના પરિણામ 50 ટકાની સરખામણીમાં એક સમાન જોવા મળ્યું છે.

જોકે ધોરણ-8માં ભાવનગર જિલ્લાનું પરિણામ 41% જ રહ્યું છે જે રાજ્યના પરિણામ 44 ટકા અને રાષ્ટ્રના ધોરણ 8ના પરિણામ 42 ટકાની સરખામણીમાં ઓછું જોવા મળ્યું છે જે ચિંતાનો વિષય છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટનો એક ચુકાદા આવ્યો કે ખરેખર શૈક્ષણિક સુવિધાઓ આપતી ખાનગી શાળાઓ માટે આર્થિક બંધનો એ શિક્ષણનું ગળું ઘુંટવા બરાબર છે. પણ એનો મતલબ એ પણ નથી કે શાળાઓ નફાખોરી કરી વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ કરે.

ગુજરાતમાં ફી કમિટી દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં જે 15000 ફીની લિમિટ બાંધી છે તે અવિચારી છે કારણકે સરકારી શાળામાં એક બાળક પાછળ સરકાર 42700 નો પ્રાથમિકમાં ખર્ચ કરે છે ત્યારે પ્રાઇવેટ સંસ્થા કઈ રીતે 15000 લિમિતમાં અભ્યાસ કરાવી શકે..? હાઇકોર્ટનો આ ચુકાદો એ ખરેખર સ્કૂલ સંચાલકોને હિતમાં જ નહીં પણ ખરેખર સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરતા 50 લાખ વિદ્યાર્થીના હિતમાં તેમ ખાનગી શાળાના સંચાલકોએ જણાવ્યું હતુ.

ખાનગી શાળાઓમાં અલગ અલગ નામે ફીના ઉઘરાણા
ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફી કમિટિએ ભલે રૂ.15 હજારની ફી મર્યાદા રાખી હોય પણ કેટલીક શાળાઓમાં અલગ અલગ નામે પહોંચ આપ્યા વગર વાલીઓ પાસેથી ફી ઉપરાંતની રકમ ઉઘરાવાતી હોય છે. જેથી ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીને પણ રકમ તો વધી જ જાય છે. જ્યારે સરકારી કે મ્યુ. શાળઓમાં આવી રીતે અન્ય ફી લેવામાં આવતી હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...