હમ નહીં સુધરેંગે:પ્રકાશકો, વિતરકો અને શાળા સંચાલકો વચ્ચે કમિશનનો સંબંધ, સ્વાધ્યાયપોથી ફરજિયાત લેવાનો દુરાગ્રહ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષણ વિભાગે દંડનીય જોગવાઈ તો જાહેર કરી પણ તેની અસર થશે કે નહીં?
  • જો પ્રશ્નો સરકારી પાઠ્યપુસ્તકોમાંથી જ પૂછાતા હોય તો શું કામ ખાનગી પ્રકાશનોનો આગ્રહ રખાય છે

આગામી સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે ધો.1થી ધો.12માં પુસ્તકો, નોટબૂક, યુનિફોર્મ, બૂટ, અન્ય શૈક્ષણિક સાધનો માટે સારો એવો ધસારો બજારમાં જોવા મળે છે. તેમાં ખાસ તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક માર સ્વાધ્યાયપોથીઓ અને ગાઇડોની ખરીદીમાં પડે છે. સરકારના પાઠ્યપુસ્તકોની કિંમત તો યથાવત રહી છે પણ ખાનગી પ્રકાશનોના ભાવ 25થી 30 ટકા વધી ગયા છે.

શિક્ષણ વિભાગના દાવા મુજબ જો પરીક્ષામાં ખરેખર પાઠ્યુપુસ્તકમાંથી પ્રશ્નો પૂછાતા હોય તો ખાનગી શાળાઓ શું કામ ચોક્કસ ખાનગી પ્રકાશનોના સ્વાધ્યાપોથી અને ગાઇડોનો આગ્રહ રાખે છે ? આ ખાનગી પ્રકાશનોના પુસ્તકો એક એક ધોરણ માટે રૂા.800થી રૂ.1500 સુધીના હોય છે. જેથી વાલીની કમર તોડી નાખે છે.સાથે અન્ય ગ્રામર, કર્સીવ રાઇટીંગ અને અન્ય સોલ્યુશન લેવાના તો જુદા. આમ, જૂન માસમાં એક તરફ ખાનગી શાળાઓએ 10થી 15 ટકા ફી વધારો કરી દીધો છે તેમાં આ ખાનગી પાઠ્યપુસ્તકોની ખરીદી આર્થિક રીતે કમર તોડી નાખે છે.

આ માટે ખાસ તો કમિશનનો સંબંધ છે જેમાં પ્રકાશનો, વિતરકો અને શાળાઓ વચ્ચે કડી છે અને 25થી 30 ટકા જેવું કમિશન મળતું હોય છે. દરમિયાનમાં આજે શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન/સંસ્થા માંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય જોગવાઈ મુજબ પહેલી વખતમાં રૂ. 10,000 અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. 25,000નો દંડ કરાશે.

પણ આ મામૂલી દંડની અસર થશે નહીં તેવું લાગે છે. ફી, સ્કૂલ બસ ફી અને નોટબૂક-ચોપડા અને સ્વાધ્યાય પોથીની કિંમતમાં વધારો થયો છે. શાળાઓ આર્થિક લાભ મેળવવા માટે ચોક્કસ પ્રકાશનના સ્વાધ્યાયપોથી અને ગાઇડો લેવાનો આગ્રહ રાખતા હોય છે.

મામૂલી દંડને કારણે ખાનગી શાળાઓને નિયમની અસર થશે નહીં
બિન અનુદાનિત ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે કોઇ ખરીદી માટે 5 વખત કે તેથી વધુ વાર અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. નિયમ તો શિક્ષણ વિભાગે કર્યો છે પરંતુ મામૂલી રકમના દંડને કારણે લાખો રૂપિયા રળતી ખાનગી શાળાને તેની કોઈ અસર થશે નહીં.

સરકારી પુસ્તકના સેટનો ભાવ
ધોરણ કિંમત

ધોરણ-1 રૂ.95
ધોરણ-2 રૂ.103
ધોરણ-3 રૂ.161
ધોરણ-4 રૂ.235
ધોરણ-5 રૂ.275
ધોરણ-6 રૂ.226
ધોરણ-7 રૂ.216
ધોરણ-8 રૂ.226

ખાનગી પ્રકાશનોનો આગ્રહ ખોટો
ખાનગી પ્રકાશનની સ્વાધ્યાય પોથી કે અન્ય પ્રકાશનમાં કિંમતમાં કોઇ ધારાધોરણ હોતા નથી. માંડ 100 પેઇજની પુસ્તિકાની કિંમત રૂ.200 કે તેનાથી પણ વધુ હોય છે. વળી એક પુસ્તકની સાથે બીજા બે પુસ્તક લેવા પડે તેવો ઘાટ ઘડવામાં આવ્યો હોય છે. વળી જો સરકારી ચોપડામાંથી જ પરીક્ષામાં પૂછવાનું હોય તો શું કામ ખાનગી પ્રકાશનોનો આગ્રહ શાળાઓ રાખે છે ? - જગદીશ મહેતા, વાલી

સરકારી પુસ્તકોની કિંમત યથાવત
સરકારી પાઠ્યપુસ્તકોના ભાવમાં આ વખતે વધારો થયો નથી અને ધો.10 અને ધો.12ની અગત્યની પરીક્ષામાં તો સરકારી પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાંથી જ સવાલો પેપરમાં ર્પછાતા હોય છે. ધો.1થી ધો.8ના પુસ્તકોની કિંમત રૂ.95થી રૂ.275 સુધી છે. - કાળુભાઈ જાંબુચા, ટ્રસ્ટી સ્ટેશનરી એસો.

અન્ય સમાચારો પણ છે...