કેમ્પસ કોર્નર:કુલ 501 માર્કશીટમાં ગોપીનાથજી મહિલા આર્ટસના સ્થાને કોમર્સ કોલેજ છપાઇ ગયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સ્ટર્નલ વિભાગમાં પ્રવેશ પ્રક્રિયા ઝડપી કરવા વિચારણા કરાશે
  • આજની ઇ.સી.માં આ 501 માર્કશીટમાં વિનામૂલ્યે સુધારો કરવાનો ઠરાવ, જવાબદારોને દંડ કરો

ગોપીનાથજી મહિલા આર્ટસ કોલેજના વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22ના સેમેસ્ટર 1 અને સેમેસ્ટર-2ના રેગ્યુલર તથા રીપીટર પરીક્ષાના 501 વિદ્યાર્થીઓની માર્કશીટમાં કોલેજના નામમાં ગોપીનાથજી મહિલા આર્ટસ કોલેજના સ્થાને ગોપીનાથજી મહિલા કોમર્સ કોલેજ છપાઈને આવેલ જે સંદર્ભે કોલેજ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અન્વયે આ તમામ 501 માર્કશીટમાં કોલેજના નામમાં વિનામૂલ્યે સુધારો કરવામાં આવશે તેનો ઠરાવ આવતીકાલે તા.2 જાન્યુઆરીને સોમવારે યોજાનારી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મૂકવામાં આવ્યો છે અને નિર્ણય કરાશે. જો કે વિદ્યાર્થીને ભુલ થાય તો જેમ દંડ કરવામાં આવે છે તેમ આ માર્કશીટમાં નામ ખોટું છપાણું તેમાં પણ જેઓની ભુલ હોય તેમને દંડ કરવો જોઇએ જેથી ભુલનું પુનરાવર્તન ન થાય.

વિદ્યાર્થીઓ દ્વારા માર્કશીટમાં ઇન્ટર્નલ માર્કસ અને સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન વિષયોના ઇન્ટર્નલ તથા એક્સટર્નલ માર્કના સુધારા બાબતે પરિણામ જાહેર થયા બાદ ઘણા લાંબા સમયગાળા પછી આવતી અરજીઓ અંગે કેટલીક બાબતો ધ્યાને લઈને ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવશે. જે મુજબ ઇન્ટર્નલ માર્ક અને સોફ્ટ સ્કિલના વિષયોના ઇન્ટર્નલ તથા એક્સટર્નલ માર્કના સુધારાઓની અરજી સ્વીકારવાની ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. સમય મર્યાદા ક્યારથી લાગુ કરવી એટલે કે પરિણામ જાહેર થઈ હતી અથવા ફાઈનલ માર્કશીટ ઇશ્યૂ થયા ની તારીખથી તે બાબતે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.

એક્સ્ટર્નલ વિભાગમાં પ્રવેશની મંજૂરી માટેની પ્રક્રિયા ઝડપી કરવા તેમજ બાહ્ય અભ્યાસક્રમમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓને રેગ્યુલર કોર્સમાં પ્રવેશ આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. રસાયણશાસ્ત્ર, એમએસસીના વિષયમાં બીજા વર્ષમાં બીપી જી આર ટી માં વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપવા અંગે એકેડેમી સભામાં રચાયેલી સમિતિના રિપોર્ટ અનુસંધાને એમએસસી કેમેસ્ટ્રીમાં બીજા વર્ષમાં ત્રણ વિકલ્પ ફરજિયાત આપવા અંગે ચર્ચા વિચારણા કરાશે.

ડો. દીપકકુમાર જશવંતરાય શેઠ તરફથી લેટ મંગળા ગૌરી જશવંતરાય શેઠના નામનો ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એમ કોમ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટમાં પ્રથમ પ્રયત્ને પ્રથમ ક્રમાંક યુનિવર્સિટી લેવલે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને આપવા માટે દોઢ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવેલું છે તો તેને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. શામળદાસ આર્ટસ કોલેજના દરવાજાની સામે ડિપ્લોમા ઇન પેઇન્ટિંગની બાજુમાં નવા બેડમિન્ટન કોર્ટ બનાવવા બાબતે જગ્યાની મંજૂરીની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...