તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Commendable Performance By The Microbiology Department Of Sarti Hospital During The Corona Epidemic, Three And A Half Lakh Tests Done In One And A Half Years

નોંધપાત્ર કામગીરી:કોરોના મહામારી દરમિયાન સરટી હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગે પડદા પાછળ રહી કરી સરાહનીય કામગીરી, દોઢ વર્ષમાં કર્યા પોણા ત્રણ લાખ ટેસ્ટ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ 3000 RTPCR ટેસ્ટ કરવામા આવ્યા
  • ભાવનગર ઉપરાંત ચાર જિલ્લાઓના ટેસ્ટની કામગીરી કરી

કોરોનાકાળમાં કોઇપણ નાગરિકને સહેજ શરદી કે ઉધરસ થાય તો તુરંત જ કોરોના છે કે નહીં તે તપાસવું અગત્યનું બની જાય છે. આવા સમયે દર્દી કોઇપણ દવાખાનામાં જાય તો દર્દીને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ...? તે નક્કી કરવાં માટે ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. આ ટેસ્ટ લેબોરેટરીમાં કરવામાં આવે છે. આવી રીતે જ ‘પડદાં પાછળની વોરિયર્સ’ એવી સર ટી. હોસ્પિટલની લેબોરેટરી એટેલે કે, માઈક્રોબાયોલોજી લેબમાં આવા ટેસ્ટિંગનું કામ થાક્યાં હાર્યા વગર છેલ્લાં દોઢ વર્ષથી સતત 24 કલાક અને 365 દિવસ ચાલે છે. અને અત્યારે રોજના સરેરાશ 3000 આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરતી આ લેબમાં અત્યાર સુધી રેકોર્ડ 2.78 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

કોરોનાના સંક્રમણે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. અને કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હતું ત્યારે સરકારે પણ વધુને વધુ ટેસ્ટીંગ પર ભાર મૂક્યો હતો. કોરોનાનો મક્કમ મજબૂત રીતે કરવાં માટે રાજ્ય પ્રશાસન પણ હકારાત્મક અને ખૂબ સંવેદનાથી કામ કરી રહ્યું છે. ત્યારે નાગરિકોના ટેસ્ટ પોઝિટિવ છે કે નહીં તે પ્રક્રિયા સર ટી. હોસ્પિટલની માઇક્રોબાયોલોજી લેબ દ્વારા રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ચાલું રહે છે.

દરરોજ 3000 RTPCR ટેસ્ટ કરવામા આવતા
માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને હેડ ડો. કૈરવી દેસાઇ કહે છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં આ લેબમાં મર્યોદિત કેસના ટેસ્ટિંગ થતાં હતાં, પરંતુ કોરોનાનું સંક્રમણ વધવાના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ આ ટેસ્ટની દૈનિક મર્યાદા વધારીને દરરોજ અત્યારે 3000 સુધી કરવામાં આવી છે.

ભાવનગર ઉપરાંત અન્ય ચાર જિલ્લાના ટેસ્ટ કરવામા આવતા
​​​​​​​આ ઉપરાંત ભાવનગર ગ્રામ્ય અને શહેર સિવાય અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાઓમાંથી આવેલ તમામ સેમ્પલ્સની પણ ચકાસણી અમારી લેબમાં કરવામાં આવતી હતી. એટલે અમારી હયાત મર્યાદામાં આ ટેસ્ટિંગ કરવું મુશ્કેલ હતું. તેથી રાત દિવસ કામ કરીને આ મર્યાદા 3000 સુધી લઇ ગયાં હતાં. જેથી વધુને વધું કોરોનાના કેસ શોધી શકાય અને સમાજમાં ફેલાતું સંક્રમણ અટકાવી શકાય.

70થી વધુ કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી
​​​​​​​
અત્રે ઉલ્લેખનીય છે કે આ લેબમાં વર્ગ- 1 ના પ્રોફેસર, સેવકો અને એમ.ડી. માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરતાં રેસિડેન્ટ ડોક્ટર સૌનો રોલ ખૂબ મહત્વનો રહ્યો છે. લેબમાં અત્યારે 24 કલાક 70 થી વધુ લોકોનો સ્ટાફ સતત આ કામગીરીમાં પ્રવૃત્ત રહે છે.ડો. કૈરવી દેસાઇ કહે છે કે, આ સ્ટાફમાંથી મોટા ભાગનો સ્ટાફ મહિલાઓ છે. જે પોતાનાં ઘર-પરિવારની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહી છે. આખા દિવસ દરમિયાન લગભગ 3000 થી પણ વધુ COVID-19 ના RT-PCR ના ટેસ્ટના રિપોર્ટ્સ થઇ રહ્યા છે.

સેમ્પલ ટ્રાન્સપોર્ટેશન માટે જોઈતા VTM એટલે કે વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડિયા પણ સર ટી હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં બનાવવામાં આવે છે. VTM બનાવવાની પધ્ધતિકમાં ઓટૉક્લેવની મેથડ થી વિવિધ કેમિકલ્સ જેવાં કે ગ્લિસરોલ, સોડિયમ ક્લોરાઈડ, પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરાઈડ, એંટિબાયોટિકની જરૂર પડતી હોય છે. M.D. મઈક્રોબાયોલોજીસ્ટ ડોક્ટરના સતત દેખરેખ હેઠળ લેબોરેટરીમાં ટેકનીશીયન દ્વારા ઓટૉક્લેવની પધ્ધતિથી VTM બનાવવાની પ્રક્રિયા ચાલુ રહે છે. આ VTM ના ઉપયોગ વાઈરસ ની Viability સાચવી રાખવા માટે કરવામા આવે છે. આખા દિવસ દરમ્યાન 3000 થી પણ વધુ VTM ભાવનગર જિલ્લા અને તાલુકા ઉપરાંત અમરેલી,જુનાગઢ,બોટાદને પૂરાં પાડવામાં આવ્યા છે.

તેમણે લેબોરેટરીની કામગીરી બાબતે જણાવ્યું કે, સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડિયામાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રક્રિયા કરવામા આવે છે. ત્યારબાદ વાઇરસમાં રહેલ RNA ને RNA એક્સટ્રેક્શન મશીનમાં અલગ કરવામા આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ કરેલા RNA ને માસ્ટર મિક્સ ચેમ્બરમાં તૈયાર કરેલ રિ-એજન્ટમા ઉમેરી વાઇરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં ૨ કલાક મૂકવામાં આવે છે. આમ, સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા 6-8 કલાક જેટલો સમય લાગે છે.

આ સમગ્ર પ્રક્રિયા માટે બાયો સેફ્ટી કેબીનેટ ક્લાસ 2 A, RT-PCR અને Refrigerated Centrifuge મશીન, માઇનસ 80 ડિગ્રી રેફ્રીજરેટર જેવા અત્યાધુનીક સાધનોની જરૂર પડે છે.

માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર અને હેડ ડો.કૈરવી દેસાઇના માર્ગદર્શન હેઠળ વિભાગના અન્ય તબીબો કે જેમાં 2 સહ પ્રાધ્યાપકો, 3 મદદનીશ પ્રાધ્યાપકો, 4 ટ્યુટર્સ, 1 વર્ગ-1 તજજ્ઞ માઇક્રોબાયોલોજીસ્ટ,8 રેસિડન્ટ ડોક્ટર્સ ઘડિયાળના કાંટા જોયા વગર નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી બજાવી રહ્યાં છે. COVID ટેસ્ટીંગની સાથે-સાથે એકેડમિક કામગીરી જેમાં વિધ્યાર્થીઓના Online Lectures, પરીક્ષાઓ, વિવિધ ટ્રેઇનીંગ, હોસ્પિટલ ઈન્ફેકશન કંટ્રોલ કમિટીનો પણ સમાવેશ થાય છે.

ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે માઇક્રોબાયોલોજીની નોન કોવિડ લેબોરેટરી કાર્યરત છે, જેમાં બેક્ટેરીયોલોજીના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ, પસ, સ્પુટમ, યુરીન, સ્ટૂલ વગેરે ના કલ્ચર અને તેની સામે કઈ એન્ટીબાયોટીક કામ કરશે તેનો ટેસ્ટ કરવામાં આવે છે.

વાયરોલોજી અને સીરોલોજી લેબોરેટરીમાં વિવિધ ટેસ્ટ જેવા કે, ટાઈફોઈડ માટે વિડાલ ટેસ્ટ, હિપેટાઈટીસ A, B , C અને E, RPR ટેસ્ટ, CRP ટેસ્ટ, RA અને ASO ટેસ્ટ, DENGUE અને CHIKUNGUNYA ELISA ટેસ્ટ, TORCH અને HIV ના ટેસ્ટનો સમાવેશ થાય છે. પેરાસાઇટોલોજી વિવિધ કૃમિઓના EGGS અને LARVA ની તપાસ કરવામાં આવે છે. તે માટે દર્દીનાં ઝાડાની તપાસ કરવામાં આવે છે.અલગ અલગ પ્રકારનાં ફૂગજન્ય( માયકોલોજી) રોગો માટે પણ લેબોરેટરીમાં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં KOH, LCB નાં સ્ટેઇન અને ફંગસનું કલ્ચર કરવામાં આવે છે. આ બધાં ટેસ્ટ માટે માઇક્રોબાયોલોજી લેબોરેટરી 24 કલાક કાર્યરત છે.

​​​ભાવનગરમાં મ્યુકરમાઇકોસીસના કેસ છેલ્લાં 2 મહિનાથી જોવા મળેલ છે. આ માટેનું મ્યુકરમાઇકોસીસનું ટેસ્ટીંગ માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમાં છેલ્લા 2 મહિનામા કુલ 230 જેવા સસ્પેક્ટેડ ફંગલ ઇન્ફેકશનના સેમ્પલ્સ આવેલ અને તેમાથી તેની ટેસ્ટીંગ પ્રક્રિયા માટે પ્રથમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ((KOH) ના Liquid માં સેમ્પલને પ્રોસેસિંગ કરવામાં આવે છે ત્યારબાદ તેનું માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો Culture Media નો ઉપયોગ કરી લેબોરેટરીમાં Growth કરવામાં આવે છે અને જો આ પ્રકારની Fungus નો Growth જોવા મળે તો તે પોઝિટિવ આપવામાં આવે છે. લગભગ 40 ટકા જેટલા સેમ્પલ્સ માઇક્રોસ્કોપી દ્વારા કલ્ચર દ્વારા પોઝિટિવ આપેલ છે, જેમાં મ્યુકર, Rhizopus તેમજ Aspergillus જેવી અલગ અલગ ફંગસ મળી આવેલ છે. સરકારી મેડિકલ કોલેજમાં ડીન ડો. હેમંત મહેતા, તબીબી અધિક્ષક ડો. જયેશ બ્રહ્મભટૃના સહકારથી આ VRDL લેબોરેટરીમાં દિવાળી અને બેસતાં વર્ષ જેવા દરેક તહેવારોમાં અને વાવાઝોડા તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આફતોમાં પણ સતત કામ ચાલું રહ્યું છે. તબીબો, લેબોરેટરી ટેકનીશીયન થી લઇ દરેક સ્ટાફે રજા રાખ્યા વગર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરી પોતાનું યોગદાન પુરું પાડ્યું છે અને માનવ સેવાનું ઉતમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

22 માર્ચ 2020 થી સતત કાર્યરત કોવિડ લેબમાં જ્યારે સ્ટાફ કે અન્ય લેબ મશીનની વધારે જરૂરત ઉભી થઇ ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ. એ. ગાંધી, જિલ્લા ક્લેકટર ગૌરાંગ મકવાણા, અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલે આ કપરા કાળ દરમ્યાન કોઇપણ પ્રકારની અછત ન પડે તે માટે હંમેશા મદદ કરીને અમારો ઉત્સાહ વધાર્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આમ, કોરોનાના દર્દીઓની સારવાર કરતાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ સાથે આ માટે પડદાં પાછળ રહીને છેલ્લાં દોઢ વર્ષથી કામગીરી કરી રહેલી આ ટેસ્ટિંગ ટીમની કામગીરી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોનાકાળમાં ઘરબાર ભૂલીને કાર્ય કરનાર આ કર્મવીરોને તેમની નિષ્ડા સલામને પાત્ર છે. તેમની નિષ્ઠા અને કર્તવ્યપરાયણતાને કારણે આપણે અને સમાજ સુરક્ષિત રહી શક્યો છે. પડદાં પાછળના આ અનોખા કોરોના વોરિયર્સને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે....

અન્ય સમાચારો પણ છે...