ટેન્ડર કાર્ય શરૂ:મથાવડામાં શિપબ્રેકિંગ 45 પ્લોટ વિકસાવવાની પ્રક્રિયાનો આરંભ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બે તબક્કામાં આંતરરાષ્ટ્રીય સ્તરના શિપબ્રેકિંગ પ્લોટ બનાવાશે
  • GMB દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટનું ટેન્ડર કાર્ય શરૂ

કેન્દ્ર સરકાર દ્વારા શિપબ્રેકિંગની ક્ષમતા બમણી કરવાની ઘોષણા કરાયાની નોંધપાત્ર સમયાવધી બાદ હવે આ દિશામાં સરકાર ડગલું આગળ વધી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા અલંગની બાજુમાં આવેલા મથાવડાના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના વિશાળ શિપબ્રેકિંગ પ્લોટ બનાવવાની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના 40 વર્ષ પૂર્વે થઇ હતી, અને તે સમયની જરૂરીયાતો મુજબના પ્લોટ બનાવવામાં આવ્યા હતા. સમયાંતરે શિપ રીસાયકલિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ધારાધોરણોમાં સુધારાઓ આવતા ગયા અને મોટા પ્લોટની આવશ્ક્તા ઉભી થવા લાગી હતી. અલંગમાં હવે તે શક્ય નહીં હોવાથી અલંગની બાજુમાં જ આવેલા મથાવડાના દરિયા કિનારે નવા શિપબ્રેકિંગ પ્લોટ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબના બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

જીએમબી દ્વારા અલંગથી મથાવડા સુધીના સિમેન્ટ કોંક્રિટ રોડની દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી છે. હવે જીએમબી દ્વારા મથાવડામાં બે તબક્કામાં નવા 45 શિપ રીસાયકલિંગ પ્લોટ બનાવવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટની નિમણૂંક કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા આરંભી દેવાઇ છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનો તલસ્પર્શી અભ્યાસ કરી, સ્થળ મુલાકાતો, નિષ્ણાંતોના અભિપ્રાય, ટાઇડલ કન્ડિશન સહિતની બાબતોનું પૃથ્થકરણ કરી વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જીએમબીને સોંપવામાં આવશે. જીઅમેબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મથાવડા ખાતે શિપ રીસાયકલિંગ પ્લોટ બનાવવાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.

પ્રથમ 15, દ્વિતિય ચરણમાં 30 પ્લોટ બનશે
અલંગની બાજુમાં આવેલા મથાવડામાં બે તબક્કામાં 45 પ્લોટ બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 15 અને દ્વિતિય ચરણમાં વધુ 30 પ્લોટનું નિર્માણ કરવામાં આવશે. દરેક પ્લોટની સાઇઝ 100x100 મીટર રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે, અને આંતરરાષ્ટ્રીય સગવડતાઓ તેની પ્રાથમિક્તા છે.

અન્ય સમાચારો પણ છે...