ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા એક વર્ષ પૂર્વે ફાયર સેફ્ટી ઈન્સ્ટોલેશનની નોટિસ આપવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા ભાવનગર યુનિવર્સિટી સંચાલિત કોલેજ અને ઓડિટોરિયમને સીલ મારવામાં આવ્યા છે. જોકે, આમાં માત્ર યુનિવર્સિટી દોષિત નથી પરંતુ રાજ્ય સરકારનુ ઉચ્ચ શિક્ષણ વિભાગ પણ જવાબદાર છે. સરકાર દ્વારા ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. હાઇકોર્ટ અને સરકારની કડકાઈ બાદ ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા સર્વે કરી શૈક્ષણિક સંસ્થાઓ, એસેમ્બલી સહિતનાને નિયત દિવસોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા નોટિસ ફટકારવામાં આવી હતી.
પરંતુ ઘણી સંસ્થાઓ, ઈન્સ્ટીટ્યુટ દ્વારા ફાયર બ્રિગેડ વિભાગની નોટિસ ફટકારવામાં જ આવી ન હતી. ભાવનગર યુનિવર્સિટી સંચાલિત કોલેજની પણ આ જ હાલત છે. જે કોલેજો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેઓને એક વર્ષ પૂર્વે નોટિસ આપી હતી. પરંતુ એક વર્ષ દરમિયાન ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા તો કોઈ કાર્યવાહી ન કરી પરંતુ નોટિસનો જવાબ પણ આપ્યો નહીં. અંતે આજે ફાયર બ્રિગેડ વિભાગની ટીમે સર પી.પી. ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ અને તેનું ગ્રંથાલય, એમ.જે. કોલેજ ઓફ કોમર્સ તેમજ અટલ ઓડિટોરિયમને સીલ મારવામાં આવ્યું હતું.
ભાવનગર યુનિવર્સિટી સંચાલિત કોલેજો અને અન્ય બિલ્ડિંગોમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ માટે રાજ્યના સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસેથી ગ્રાન્ટની માંગણી કરવાની હોય છે. કોલેજ દ્વારા માગણી પણ કરાયેલી છે પરંતુ સરકાર દ્વારા ગ્રાન્ટ નહિ ફાળવાતા સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે કોલેજોને સીલ લાગ્યા છે.
સેલ્ફ ફાઇનાન્સના ભંડોળમાંથી ફાયર સેફ્ટી કરાશે
સરકારમાંથી આ સુવિધા માટેની ગ્રાન્ટ ન આવી હોય ફાયર સેફટી ઇન્સ્ટોલેશન થઇ શકી નથી પરંતુ હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને યુનિવર્સિટીની સેલ્ફ ફાયનાન્સ કોલેજના ફંડમાંથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મંજૂરીની અપેક્ષાએ ફાયર સેફટીનું આ કાર્ય કરવામાં આવશે. - ડો.એમ.એમ.ત્રિવેદી, કાર્યકારી કુલપતિ એમ.કે બી.યુ યુનિવર્સિટી
કોલેજ શરૂ થવા ટાણે જ સીલ
શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન પૂર્ણ થવામાં છે અને આગામી નજીકના દિવસોમાં જ શાળા કોલેજ પણ શરૂ થશે. ત્યારે સરકારની બેદરકારીને કારણે કોલેજને સીલ લાગતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.