ભાવનગર શહેર-જિલ્લામાં માવઠાનો માહોલ વિખરાતાની સાથે જ પૂર્વોત્તરના પવનોએ પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરી લીધું છે. રવિવાર રાત્રે શરૂ થયેલા બર્ફીલા પવનોને પગલે લઘુત્તમ તાપમાનનો પારો ફરી એકવાર ગગડ્યો છે અને દિવસભર પવન સાથે કાતિલ ઠંડી અકબંધ રહેવા પામી છે.
સૌરાષ્ટ્ર સાથોસાથ ગોહિલવાડ માં છેલ્લા બે માસથી ક્રમશઃ બે ઋતુ નો ક્રમ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. એકથી બે સપ્તાહ સુધી કાતિલ ઠંડીનું મોજું અકબંધ રહે છે અને જેવું લઘુત્તમ તાપમાન 10થી 14 ડિગ્રી આસપાસ પહોંચે એટલે કમૌસમી માવઠાનો માહોલ આપમેળે સર્જાય જાય છે. માવઠાના માહોલમાં એકાદ બે દિવસ અવકાશ વાદળ આચ્છાદિત બની જાય અને વાદળો વિખરાતાની સાથે જ ફરી ઠંડી નો દૌર શરૂ થઈ જાય છે.
ગત સપ્તાહે બુધવારથી શુક્રવાર સુધી વાતાવરણ અસ્થિર રહ્યું હતું. ક્યારેક વાદળો તો એક દિવસ કોઈ હિલ્સટેશન જેવો ગાઢ ધૂમ્મસ શનિવારે મોડી સાંજે ફરી એકવાર સૂકા અને ઠંડા પવનો 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાનુ શરૂ થતાં રવિવારની રાતે લોકો થરથરી ઉઠે એવી ઠંડી જોવા મળી હતી.
આ માહોલ રવિવારની રજાના દિવસે પણ અકબંધ જોવા મળ્યો હતો. લોકોને ઠંડીથી બચવા ફરજિયાત પણ ગરમવસ્ત્રો ધારણ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષે શિયાળાની આરંભથી જ જમાવટ જોવા મળી રહી છે. એક બાદ એક ઠંડીના રાઉન્ડથી લોકો સાથે જાહેર જનજીવન પ્રભાવિત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.