હવામાન:10.2 ડિગ્રીએ 14 કિલોમીટરની ઝડપે પવનથી શીતપ્રકોપ યથાવત

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતત ચાર દિવસથી કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા
  • { ભાવનગર​​​​​​​ શહેરમાં ભેજનું પ્રમાણ 49 ટકા થયું : બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી

બુધવારે રાત્રે ભાવનગરમાં લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી રહેતા સતત બીજા દિવસે કડકડતી ઠંડી યથાવત રહી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ આવતી કાલથી હવે ધીમે- ધીમે ઠંડી ક્રમશ: ઘટશે. જેને કારણે લઘુતમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઊંચું જશે. શનિવાર સુધી લઘુતમ તાપમાન ઊંચું રહે તેવી સંભાવના જણાઇ રહી છે. લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં હોવાની સાથે- સાથે ઠંડો પવન ફૂંકાતા ઠાર અનુભવાયો હતો. આમ ઠંડી વધતા સમગ્ર જનજીવન પ્રભાવિત થયું હતું. ભાવનગર શહેરમાં આજે 14 કિલોમીટરની ઝડપે ઉત્તરના બર્ફિલો પવન ફુંકાતા શીતલહેરનો અસર બમણી થઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 23.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 10.1 ડિગ્રી હતુ તે આજે 10.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. રાજસ્થાનમાં કોલ્ડવેવને હિસાબે ભાવનગરમાં પણ ઠંડીનું જોર રહ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ દિવસમાં ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. ઠંડીને કારણે સાંજ પડતાની સાથે જ કુદરતી કર્ફ્યૂ શરૂ થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સાંજ પડતાની સાથે જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર શનિવાર બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા હતુ તે આજે વધીને 49 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...