દરિયામાં કોસ્ટગાર્ડના જવાનોની ટીમ હોવરક્રાફ્ટ લઈ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે હોવરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેથી જવાનોએ દાઠા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી હોવરક્રાફ્ટને તળાજાના દરિયા કિનારે ખેંચી લાવવામાં આવ્યું હતું.
દરિયા કિનારે ભાગ્યે જ જોવા મળતી ઘટના બની
દરિયાઈ માર્ગે વધતા નશીલા પદાર્થની હેરાફેરીને લઈ દરિયાઇ સુરક્ષા તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તળાજાનાં ઝાંઝમેર ગામ સામેનાં દરિયામાં કોસ્ટગાર્ડના જવાનોની ટીમ હોવરક્રાફ્ટ લઈ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દરિયા કિનારે ભાગ્યે જ જોવા મળતી ઘટના બની હતી. જેમાં ગઈકાલે હોવરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા હોવરક્રાફ્ટને દોરડુ બાંધી દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડની ટીમે દાઠા પોલીસનો સંપર્ક કરી તેઓના તેમજ સ્થાનિકોના સહયોગથી હોવરક્રાફ્ટને દરિયા કિનારે દોરડું બાંધી ખેંચી લાવવામાં આવ્યું હતું.
ઝાંઝમેર નજીકનાં રમણીય તટપર હોવરક્રાફ્ટ લઈ જવાયું
દરિયામાં કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે મધદરિયે હોવરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા નજીકમાં હોવરક્રાફ્ટ બીચ થઈ શકે ત્યાં લઈ જવાની ફરજ પડી હતી, જેના ભાગરૂપે તળાજાનાં ઝાંઝમેર નજીકનાં રમણીય તટપર બીચ કરવા લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ દાઠા પો.સ.ઇ ને થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક લોકોની મદદ મેળવી દોરડા વડે દરિયા કિનારા સુધી ખેંચી લાવવામાં મદદ કરી હતી. તેમજ પોલીસે હથિયાર ધારી બંદોબસ્ત ગોઠવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.