તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:સહાય:માથે મેઘો મંડાયો છે અને આશરો પણ અધુરો થયો તાઉતેની થપાટ ખાધેલા પરિવારો સહાયથી વંચિત

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 70 સહિત જિલ્લાભરમાં 7823 કુટુંબોને મકાન સહાય આપ્યાનો તંત્રનો દાવો પરંતુ અનેકને સહાય ન મળી
  • વાવાઝોડા બાદ સર્વે માટે ટીમો તો દોડાવી પરંતુ અનેક અસરગ્રસ્ત ગરીબ પરિવારો સુધી પહોંચવા તંત્રના હાથ પણ ટુંકા પડ્યા
  • મત માગવા જતા પ્રજાના પ્રતિનિધિઓ વાવાઝોડાને કારણે તુટલા ફુટલા ઘરમાં રહેતા આફતગ્રસ્તો પાસે ડોકાયા નહીં

તાઉ તે વાવાઝોડાએ ભાવનગરને ધમરોળતા અનેક મકાનોને નુકસાની થઈ હતી. સરકાર દ્વારા અસરગ્રસ્તો માટે રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું. અને ભાવનગર જિલ્લામાં 7823 કાચા પાકા મકાનને નુકશાની માટે રૂ.13.38 કરોડ ચુકવ્યાનો સરકાર દાવો કરે છે,પરંતુ સરકારના સર્વેની નજરમાં અનેક અસરગ્રસ્તો ચુકી જવાયા છે. આર્થિક રીતે અસાધારણ સ્થિતિ ધરાવતા પરિવારોને સરકારની સહાય પણ ન મળી અને મકાન સહિત ઘરવખરીને થયેલા નુકસાનને પહોંચી વળવા નાણા પણ નથી.સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા તાત્કાલિક તંત્રને પણ સર્વે માટે દોડાવ્યું હતું.

શહેરમાં વાવાઝોડાના બીજા જ દિવસથી સર્વે હાથ ધરી 70 જેટલા કાચા-પાકા મકાનોને સહાય ચુકવાઈ હતી. પરંતુ તંત્રવાહકોના સંકલનના અભાવે ઘણા અસરગ્રસ્તો સર્વેમાંથી બાકાત રહી ગયા હતા. ઘણાં અસરગ્રસ્તોએ તો સમયસર અરજી આપી હોવા છતાં પણ તેઓને સહાય મળી નથી. અને હવે સરકાર દ્વારા પણ અસરગ્રસ્તોને સહાય માટે હાથ ઉંચા કરી લીધા છે. આવી પરિસ્થિતિમાં ગરીબ લોકો પોતાનું ઘર પણ રીનોવેશન કરાવી શકતા નથી અને સરકાર તેને સહાય આપતા નથી.

મકાનની છત્ર ના હોય તો શુ થયું પરિવારની છાયા તો છે, માનસિક વિકલાંગ શિવમ તો હંમેશા સ્મિતમાં

વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત સિંધવ પરિવારમાં આઠ વર્ષનો શિવમ નામનો માનસિક વિકલાંગ બાળક પણ રહે છે. વાવાઝોડાના દિવસે શિવમને પણ ઇજા થતા બચી ગઇ હતી. પરંતુ કુદરતી પ્રકોપને સમજી નહીં શકતા માનસિક વિકલાંગ શિવમ તો હંમેશા હસતો જ રહે છે. આવી ખરાબ પરિસ્થિતિ પણ તંત્રને દેખાઈ નહીં. વાવાઝોડાને કારણે સરકારી તંત્ર સર્વે કરવા નીકળ્યા ત્યારે તેઓને ‍અાવા અનેક પરિવારો કેમ દેખાયા નહીં.

સર્વેમાં આવેલા તમામને સહાય ચુકવાઇ ગઈ છે
શહેરી વિસ્તારમાં નાયબ મામલતદાર અને કોર્પોરેશનના કર્મચારીઓની બનાવેલી ટીમ દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસે બે દિવસ સુધી સર્વે કરી કાચા પાકા મકાનોને થયેલી નુકસાનીની વિગત મેળવી હતી. તેમજ આ તમામ અસરગ્રસ્તોને સરકારી સહાય પણ ચૂકતે કરવામાં આવી છે. કાચા પાકા મકાનના 70 જેટલા અસરગ્રસ્તોને સહાય ચૂકવી છે.- ધવલ રવિયા, સિટી મામલતદાર

મા દિકરીઓ વાસણ માંજવા જાય, પિતા પથારીવશ, રિનોવેશન કેમ કરાવવું..

અધેવાડા મફતનગરમાં આવળીયા સોસાયટીમાં રહેતા સિંધવ પરિવાર પર વાવાઝોડાએ આફત સર્જી હતી. માથે કરીને માંડ માંડ બનાવેલા મકાનના છાપરા ઉડી ગયા, વાયરિંગ બળી ગયું, પંખા ટ્યુબલાઈટને નુકસાન થયું. એટલું જ નહીં પરિવારના મોભી માંદગીને કારણે પથારી વશ થયેલા પોપટભાઈ સિંધવ અને તેના પુત્ર અભિષેક ને પણ ઇજા થઇ હતી. ઘરે ઘરે જઈ વાસણ માંજી, ઘરકામ કરી ઘરનું પૂરું પાડતા રંભાબેન અને તેની બે દીકરીઓએ તત્કાલીન સમયે મકાનને નુકસાન થતા કોર્પો.માં અરજી પણ કરી હતી. પરંતુ ન તો કોઈ સર્વે વાળા આવ્યા કે ન તો ગરીબ પરિવારને એક ફદિયાની સહાય પણ ન મળી. હાલમાં પણ માથે ચોમાસુ છે અને છાપરા નાખી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ પણ નથી.

મકાનની છત માટે અસરગ્રસ્તને ગાય વેચવી પડી
શહેરના કાળુભા રોડ પર શ્રેય સોસાયટીમાં રહેતા મનાભાઈ કુંવરાભાઈના મકાન ને પણ વાવાઝોડાને કારણે નુકશાન થયું હતું. તેના મકાનનું છાપરું પણ ઉડી ગયું હતું. પરંતુ સરકારી તંત્રની નજર પણ આ આફતગ્રસ્તના મકાન પર પડી નહોતી. અંતે વરસાદની બીકે મનાભાઈએ પોતાની ગાય વેચી મકાનનુ છાપરુ નખાવ્યું હતું. કોર્પોરેશન અને કલેકટર કચેરીએ સંકલન કરી તમામ વોર્ડમાં સર્વે કરાવી વંચિત રહેલા અસરગ્રસ્તોને સહાય ચુકવવા આયોજન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...